ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
જસદણ તાલુકાના બેલડા ગામે ઢોર ચરાવવાના પ્રશ્ર્ને આરોપીઓએ ધારિયા, ઢીકાપાટુ વડે માર મારી ઈજાઓ પહોંચાડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રતિબંધિત હથિયાર ધારણ કરી જાહેરનામાનો ભંગ કરવા સબબનો કેસ વિંછીયાની કોર્ટમાં ચાલી જતાં તા. 29-4-2023ના રોજ ઈ.પી.કો. ક. 323, 324, 114 અન્વયે ફરમાવેલા છ માસની સજા અને દંડનો હુકમ અપીલના માધ્યમથી પડકારતા અપીલ ચાલી જતાં નામદાર નીચેની અદાલતનો હુકમ રદ કરી ચાર આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ રાજકોટના મહે. એડિ. સેશન્સ જજએ ફરમાવેલો છે.
કેસની હકીકત જોઈએ તો જસદણ તાલુકાના બેલડા ગામના રહીશ રાણાભાઈ અરજણભાઈ ગળથરાએ તે જ ગામના રહીશ ઉકડ પુંજાભાઈ ગમારા, માત્રાભાઈ ઉકડભાઈ ગમારા, અશોકભાઈ મશરૂભાઈ ગમારા, ગભરૂ ઉકડભાઈ ગમારા વિરુદ્ધ ભાડલા પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરિયાદ નોંધાવેલ કે આરોપી નં. 1નાને ઢોર ચરાવવાની ના પાડતા અને આરોપીને ઠપકો આપતાં આરોપી નં. 1એ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ફરિયાદીની પત્નીને ડાબા હાથે ધારિયાથી ઘા કરી ઈજા કરી તેમજ આરોપી નં. 2થી 4નાએ એકબીજાને મદદગારી કરી હાજર સાહેદોને ઢીકાપાટુનો મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ આપતા તપાસના અંતે ચારેય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ થતાં નીચેની અદાલતમાં કેસ ચાલી જતાં આરોપીઓને છ માસની સજા અને રૂા. 2000નો દંડનો હુકમ ફરમાવતા તે હુકમ સામે રાજકોટની સેશન્સ અદાલતમાં ચારેય આરોપીઓએ અપીલ દાખલ કરી નીચેની અદાલતનો હુકમ રદ કરવા અને નિર્દોષ છોડી મૂકવા દાદ માગેલી હતી.
- Advertisement -
બંને પક્ષોની રજૂઆતો, રેકર્ડ પરનો પુરાવો લક્ષે લેવામાં આવે તો જ્યારે કોઈ સજા સામેની અપીલ હોય ત્યારે સાહેદોના પુરાવામાં સત્ય અથવા અસત્ય મીશ્રીત કથન આપતો હોય તેવા સમયે અદાલતે સત્ય અસત્યને દૂર કરી શકાય તેમ હોય તે જેટલો પુરાવો માનવા લાયક કે ભરોસપાત્ર હોય તે સ્વીકારવાનો હોય છે. તદઉપરાંત ફરિયાદી અને ઈજા પામનાર તેની પત્નીએ આપેલા પુરાવામાં વિરોધાભાસ હોય સરકારી દવાખાને સારવાર લીધેલનું અને કપડાં લોહીલુહાણ થઈ ગયેલા હોવાનું જણાવેલું પરંતુ તેઓ પુરાવો રેકર્ડ પર આવેલ ન હોય સાહેદોના પુરાવામાં બનાવ સ્થળ અલગ અલગ રેકર્ડ પર આવતા હોય ઉપરાંત સાહેદોના હથિયારનું વર્ણન પણ અલગ અલગ આવતું હોય બનાવ વખતે વપરાયેલા હથિયાર પૂરવાર થતું ન હોય ડોકટર સમક્ષની હિસ્ટ્રીમાં વિસંગતતા હોય રેકર્ડ પરના પુરાવાનું તુલનાત્મક વિશ્ર્લેષણ કરતા વિંછીયાના જ્યુડી. મેજિ.ફ.ક.એ આરોપીઓને તકસીરવાન ઠેરવી સજા તથા દંડનો કરેલો હુકમ કાયદા તથા હકીકતની દ્રષ્ટિએ ભૂલ ભરેલો છે જે કાયદાના પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતો વિરુદ્ધનો છે જે રદબાતલ થવાને પાત્ર હોવાનું માની હુકમમાં હસ્તક્ષેપ કરવો ન્યોયચિત માની નીચેની અદાલતનો હુકમ રદ કરી અપીલ મંજૂર કરી ચારેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં ચારેય આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, અભય સભાયા રોકાયેલા હતા.