ફરાળી ચીજોનું ઉત્પાદન અને વેંચાણ કરતા વિક્રેતાઓને ત્યાં ફૂડ વિભાગનું સઘન ચેકિંગ
શ્રાવણ માસમાં ફરાળી ચીજોના નામે છેતરાતા રાજકોટવાસીઓ
- Advertisement -
લોકમેળામાં ભાગ લેતા ફૂડ બિઝનેશ ઓપરેટરોને ફૂડ લાયસન્સ અને રજિસ્ટ્રેશન આપવાની કાર્યવાહી કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આવતીકાલ તા. 28-8 સુધી યોજવામાં આવેલા ધરોહર લોકમેળો 2024 અંતર્ગત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજકોટ વર્તુળ દ્વારા સંયુક્ત રીતે લોકમેળામાં ભાગ લેતા ફૂડ બિઝનેશ ઓપરેટરોને ટેમ્પરરી ફૂડ લાયસન્સ, રજિસ્ટ્રેશન આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે તેમજ લોકમેળા તથા પ્રાઈવેટ મેળામાં ફૂડ બિઝનેશ ઓપરેટરો દ્વારા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનું વેચાણ ન થાય તેમજ વેચાણ સ્થળે હાઈજીનીક કંડીશનની જાળવણી થાય તે અંગે સઘન ચેકીંગ કરવામાં આવશે તથા જરૂર જણાયે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વિશેષમાં ફૂડ સેફ્ટી વ્હીલ્સ વાન દ્વારા સ્થળ પર ટેસ્ટીંગ, અવેરનેસ, ટ્રેનીંગ અંગેની કામગીરી કરવામાં આવશે.
શ્રાવણ માસ તથા વ્રતના તહેવારોને અનુલક્ષીને જનસામાન્ય દ્વારા ફરાળી ચીજવસ્તુઓનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા ફરાળી ચીજોને અનુલક્ષીને સમગ્ર માસ દરમિયાન રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરાળી લોટ, ફરાળી પેટીસ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક, વિક્રેતાઓ ફરસાણની દુકાનો મળી કુલ 72 પેઢીઓમાં સઘન સર્વેલન્સ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે જે પૈકી તુલસી બાગ સામે ગુણાતીત મેઈન રોડ પાસે આવેલા જલારામ નમકીન પેઢીમાંથી બિનઆરોગ્યપ્રદ સ્થિતિમાં રાખેલ 140 કિ.ગ્રા. પેટીશનો જથ્થો સ્થળ પર નાશ કર્યો તથા પેઢીને નોટીસ આપવામાં આવેલ હતી. વિશેષમાં ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ફરાળી ચીજોના કુલ 13 નમૂના લેવામાં આવ્યા હતા.
- Advertisement -
સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શહેરના માંડા ડુંગર આજી ડેમ વિસ્તારમાં આવેલી ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં 11 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્ય ચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ખોડીયાર કોલ્ડ્રિંક્સ, મિલન ખમણ, દ્વારકેશ ડેરી ફાર્મ, શક્તિ કૃપા ફરસાણ, ગુનગુન પાણીપુરી, શિવ ઘૂઘરા, દાસારામ ફરસાણ, બાલાજી દાળ પકવાન, શ્યામ જનરલ સ્ટોર, માલધારી ડેરી ફાર્મ અને શુભમ ડેરી ફાર્મ સહિતનાઓને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા ફ્રોઝન ઝોન જનરલ સ્ટોર, શિવ પ્રોવિઝન સ્ટોર, મોગલ ગાંઠીયા, શિવ ડેરી ફાર્મ, રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ, કિરણ સુપર સ્ટોર, બાલાજી સ્વીટ્સ, કૃપા જનરલ સ્ટોર, ગોકુલ ગાંઠીયાની ચકાસણી કરવામાં આવી હતી.
આ સાથે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 9 નમૂના લેવામાં આવ્યા હતા જેમાં રાજશક્તિ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ, રસીકભાઈ ચેવડાવાળા, જોકર ગાંઠીયા, મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, નેજાધારી ફૂડ્ઝને ત્યાંથી ફરાળી પેટીસ સહિતના નમૂના લેવાયા હતા.



