કોલકાતા રેપ-હત્યાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો: રેપ થયો છે એ ફાઇનલ, પીડિતાનું ગળું દબાવી હત્યા કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સેમિનાર હોલમાં 9 ઓગસ્ટ, 2024ના રોજ પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટર મૃત હાલતમાં મળી હતી. રેપ બાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે હવે વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જે પીડિતા સાથે કરવામાં આવેલી નિર્દયતાને દર્શાવે છે. પીએમ રિપોર્ટ મુજબ, મૃતકના શરીર પર 14થી વધુ ઈજાનાં નિશાન હતાં. કોઈ ફ્રેક્ચર જોવા મળ્યું નથી.
માથા પર, બંને ગાલ, હોઠ (ઉપર અને આંતરિક), નાક, જમણું જડબા, ગરદન (એપિગ્લોટિસની નજીક અને ઉપર), ડાબો હાથ, ખભા, ઘૂંટણ, પગની ઘૂંટી અને પ્રાઈવેટ પાર્ટ પર ઈજાનાં નિશાન મળ્યાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે શરીરના ઘણા ભાગોમાં લોહીના ગઠ્ઠા હતા. આ સાથે ફેફસાંમાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો. લોહી અને અન્ય એકત્ર કરાયેલા નમૂનાઓ વિશ્ર્લેષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીડિતાના શરીર અને પ્રાઈવેટ પાર્ટ પર તમામ ઈજાઓ મૃત્યુ પહેલાં થઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મેડિકલ ઓફિસરે કહ્યું છે કે પીડિતાનું મોત બંને હાથે ગળું દબાવવાને કારણે થયું છે. તેના પ્રાઈવેટ પાર્ટમાં ફોર્સફુલ પેનિટ્રેશનના મેડિકલ પુરાવા મળ્યા હતા. પીએમ રિપોર્ટમાં મહિલા ડોકટરનું યૌનશોષણ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે કોલકાતા રેપ-હત્યાની ઘટનાને ધ્યાનમાં લીધી છે. 20 ઓગસ્ટે CJI DY ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી, પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આ કેસની સુનાવણી કરશે. જોકે મંગળવારે સુનાવણી માટે નિર્ધારિત કેસોની યાદીમાં આ કેસ 66મા નંબરે છે, પરંતુ ખાસ ઉલ્લેખ છે કે બેન્ચ તેની પ્રાથમિકતાના આધારે સુનાવણી કરશે. દેશવ્યાપી આક્રોશ અને ડોક્ટરોની હડતાળ વચ્ચે 17 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે એક અરજી કરવામાં આવી હતી. આમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટર સાથે કરવામાં આવેલી નિર્દયતાને ધ્યાનમાં લેવાની વિનંતી કરવામાં આવી હતી.
- Advertisement -
કોલકાતાની ઘટનાના વિરોધમાં દિલ્હીના ડોક્ટરોની હડતાળનો સોમવાર (19 ઓગસ્ટ) 8મો દિવસ છે. એઈમ્સ અને અન્ય હોસ્પિટલોના રેસિડન્ટ ડોક્ટરો આજથી આરોગ્ય મંત્રાલયની બહાર રોડ પર દર્દીઓની સારવાર કરશે. રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિયેશને રવિવારે (18 ઓગસ્ટ) રાત્રે એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી આપી હતી. અખબારી યાદી મુજબ, રેસિડન્ટ ડોકટરો નિર્માણ ભવનની બહાર દર્દીઓને દવા, સર્જરી, પ્રસૂતિ અને સ્ત્રીરોગ, બાળરોગ, આંખની સમસ્યાઓ, ઓર્થોપેડિક્સ સહિત લગભગ 36 વિશેષતાની OPD સેવાઓ પ્રદાન કરશે. તમામ હોસ્પિટલોમાં ઈમર્જન્સી સેવાઓ પહેલાંની જેમ ચાલુ રહેશે. ડોક્ટરોએ કહ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્રીય સુરક્ષા કાયદા દ્વારા હોસ્પિટલોમાં પૂરતી સુરક્ષાની ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેમની હડતાળ ચાલુ રહેશે.
LG હોસ્પિટલમાં દર્દીના પરિવારજને ડોક્ટરનું ગળું દબાવ્યું
કોલકાતા રેપ-હત્યાની ઘટનાના વિરોધ વચ્ચે અમદાવાદમાં ડોક્ટર પર હુમલો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.19
કોલકાતામાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા સુરક્ષા માટે કડક કાયદાની માગ સાથે હડતાળ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલ (નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ)માં દર્દીઓ દ્વારા રેસિડન્ટ ડોક્ટર સાથે બોલાચાલી કરી ઘર્ષણ કર્યું હોવાની ઘટના બની છે. દર્દીના પરિવારજને સારવાર બાબતે ઉગ્ર બોલાચાલી કરી રેસિડન્ટ ડોક્ટરનું ગળું દબાવી દીધું હતું. જોકે બહાર હાજર સિક્યોરિટી સ્ટાફ દ્વારા તાત્કાલિક ધોરણે ડોક્ટરને છોડાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રેસિડન્ટ ડોક્ટરો ઇમર્જન્સી સારવારથી પણ અળગા રહ્યા હતા. જોકે સુપરિન્ટેન્ડન્ટ સહિતના ડોક્ટરો દ્વારા તેમને સમજાવવામાં આવતાં ફરીથી કામગીરી શરૂ કરી હતી.
એલજી હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ ડો. લીના ડાભીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઇમર્જન્સીમાં વહેલી સવારે એક દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ઝેરી દવા પીધી હોવાથી પોલીસ કેસ અને સારવારની પદ્ધતિ જાણવા માટે મહિલા ડોક્ટર દ્વારા જ્યારે તેમને વિગત પૂછવામાં આવતી હતી ત્યારે અચાનક દર્દીના સગા ઉશ્ર્કેરાઈ ગયા હતા અને બોલાચાલી કરી હતી. આ દરમિયાન દર્દીના સગાએ રેસિડન્ટ ડોક્ટરનું ગળું દબાવ્યું હતું. એક તરફ નોન-ઈમર્જન્સી સેવામાં રેસિડન્ટ ડોક્ટરો હડતાળ પર છે તો બીજી તરફ ઈમર્જન્સી સેવામાં પણ આ રીતે દર્દીના પરિવારજન દ્વારા હુમલો કરવાની ઘટના બનતાં રેસિડન્ટ ડોક્ટરો ઈમર્જન્સી સેવા બંધ કરી હતી. જોકે ત્રણથી ચાર કલાક સુધીની સમજાવટ બાદ ફરીથી તેમણે કામગીરી શરૂ કરી હતી. આ બાબતે મણિનગર પોલીસ સ્ટેશનમાં દર્દીના પરિવારજન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવાઇ છે.