બાપ બન્યો હેવાન?
માર મારવાથી કે પડી જવાથી બાળકનું મૃત્યુ થયું તે રહસ્ય અકબંધ: પી.એમ. રિપોર્ટ બાદ જ તથ્ય બહાર આવશે
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના કાલાવડ રોડ પર રાણી ટાવર નજીક આવેલી નંદનવન સોસાયટીમાં હૈયુ હચમચાવી દે તેવી આ ઘટના બની છે. ચોકીદારી કરતાં અને મુળ નેપાળના યુવાને બુધવારે રાત્રે પોતાના 8 વર્ષના પુત્રને લાકડી વડે ઢોરમાર મારતા મૃત્યુ નિપજ્યું હતું જેથી મૃત્યુ પામેલ બાળકના પિતાએ પડી જવાથી મૃત્યુ નિપજ્યાનું રટણ કર્યું હતું ત્યારબાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં પ્રાથમિક તપાસમાં પિતાનું કહ્યું ન માનતો હોવાથી લાકડીથી ફટકારવામાં આવ્યો હતો. આ બાળકના મોતનું રહસ્ય હાલમાં તો અકબંધ છે. પી.એમ. રિપોર્ટ બાદ આ સમગ્ર ઘટનાનું તથ્ય બહાર આવશે.પ્રાપ્ત વિગત મુજબ 8 વર્ષનો સૌરભ ઘરમાં તોફાન કરી રહ્યો હતો અને જમવા બેસતો ન હતો. આ વાતથી પિતા એટલા ગુસ્સે થયા કે સીધી લાકડી લઈ તેને જોરદાર ફટકાર્યો. પિતાનો માર ખાધા બાદ ડરથી તેણે જમી પણ લીધું. પરંતુ જમ્યા બાદ તેને ફરી રમત સુઝી અને તે રમવા લાગ્યો. રમતા રમતા તે અચાનક પડી ગયો અને તેને થોડું વાગ્યું. પહેલા પિતાએ મારેલો લાકડીનો માર અને પછી પડવાથી થતા દુ:ખાવાના કારણે સૌરભ સુઈ ગયો. પિતાના મારથી બાળકને થયેલી ગંભીર ઈજાથી અજાણ પરિવાર સુઈ ગયો અને સવારે ખબર પડી કે 8 વર્ષનો સૌરભ ઊંઘમાં જ બેભાન થઈ ગયો છે. જ્યારે તેને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. તબીબોને અહીં સૌરભના શરીર પર પડખામાં, સાથળ પાસે, ગોઠણથી નીચેના ભાગે અને શરીરનાં બીજા ભાગોમાં માર માર્યો હોય તેવા ચાંભા અને નિશાન જોવા મળતાં શંકા ઉપજી હતી. પહેલા તો પિતાએ રટણ કર્યું કે સૌરભ રમતા રમતા પડ્યો અને વાગ્યું હતું પરંતુ પોલીસની આગવી ઢબની પુછપરછમાં તેણે બાળક પડ્યું તે પહેલા લાકડીથી મારેલા મારની વાત પણ જણાવી હતી જેથી પોલીસે આ મોતનું અકબંધ રહસ્ય જાણવા માટે મૃતદેહને પી.એમ. અર્થે મોકલ્યો છે.


