આજે 14 ઓગસ્ટ- વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ
‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ એ ભારતવાસીઓને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાનો અવસર છે: દેશવાસીઓ માટે સ્વતંત્રતા મળ્યાનો આનંદ છે તો સાથોસાથ વિસ્થાપિતોની વેદના પણ છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દેશ સ્વતંત્રતાના 77 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે, આવતીકાલે 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવશે, આમ તા. 14મી ઓગસ્ટ, 1947 એટલે કે દેશને આઝાદી મળ્યાના એક દિવસ પહેલા ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ’ દિવસે ભારતના ભાગલા પડ્યા અને બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા ત્યારે ભારતીયોએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરતાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2021માં વિભાજન વિભીષિકા દિવસ મનાવવાની ઘોષણા કરતા જણાવેલ કે દેશના વિભાજનની પીડા ક્યારેય ભૂલી શકાય તેમ નથી. નફરત અને હિંસાને કારણે દેશના લાખો નાગરિકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ દિવસ ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા પ્રેરિત કરશે અને તેનાથી એકતા અને માનવીય સંવેદના પણ વધુ મજબૂત થશે. વધુમાં ઉદય કાનગડએ જણાવેલ કે આજે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસે’ દેશ એ બલિદાનોને યાદ કરી રહ્યો છે જેમણે અરાજકતાના એ માહોલ વચ્ચે જીવ ગુમાવ્યા હતા. ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ એ ભારતવાસીઓએ શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાનો અવસર છે.
જેમનું જીવન દેશના ભાગલાની બલિ ચડી ગયું તેમની સાથે જ આ દેશ એ લોકોના સંઘર્ષ અને કષ્ટોની પણ દુ:ખદ યાદ અપાવે છે, જેમણે વિસ્થાપનનો ડંખ સહન કરવા મજબૂર થવું પડ્યું, આવા તમામ લોકોને શત શત નમન કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે 14મી ઓગસ્ટ 1947ના દિવસે એક તરફ દેશ સ્વતંત્રતા મેળવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં બીજી તરફ દેશમાં ભાગલાના કારણે અરાજકતાનો માહોલ હતો અને લાખો લોકોએ તેનો ભોગ બનવું પડ્યું, લાખો લોકોએ રાતોરાત પોતાનું ઘર મૂકી ભાગવુ પડ્યું અને લાખો લોકો માર્યા ગયા હતા. બ્રિટિશ રાજમાંથી તો દેશને મુક્તિ મળી પરંતુ તેની સાથે જ દેશનું વિભાજન પણ થયું અને ભારત અને પાકિસ્તાન એમ બે દેશો અસ્તિત્વમાં આવ્યા. વિભાજનથી દેશના બે ટુકડા કરી દેવામાં આવ્યા અને પૂર્વ-પશ્ર્ચિમ બંને તરફ અમુક વિસ્તારને પાકિસ્તાન અલગ ઈસ્લામિક રાષ્ટ્ર તરીકે માન્યતા આપવામાં આવી. ભાગલા પડ્યા તેની સાથે જ ઈતિહાસનું સૌથી મોટું સ્થળાંતર જોવા મળ્યું હતું અને રાતોરાત લોકોએ પોતાના ઘરબાર-ધંધો છોડીને ભાગવું પડ્યું હતું. આ આખા પ્રકરણમાં દોઢ કરોડથી વધુ લોકોએ પોતાની ઘર-સંપત્તિ છોડીને ભાગવુ પડ્યું, અબાલ-વૃદ્ધ, મહિલાઓ તમામ હિંસાના દાવાનળની લપેટમાં આવ્યા અને લાખો લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. આમ 15 ઓગસ્ટનો દિવસ આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ, કોઈપણ રાષ્ટ્ર માટે તેનો સ્વતંત્રતા દિવસ અનેરુ મહત્ત્વ ધરાવે છે અને આનંદનો અવસર હોય છે પરંતુ સ્વતંત્રતા સાથે-સાથે દેશે વિભાજનનો એ આઘાત પણ સહન કરવો પડ્યો અને શરૂઆત તેની હિંસક પીડાઓ સાથે થઈ, જેણે લાખો ભારતીયો પર પીડાના નિશાન છોડી દીધા, સ્વતંત્રતાનો આનંદ તો છે જ, પરંતુ સાથોસાથ વિભાજનની પીડા અને હિંસા, વિસ્થાપિતોની વેદના પણ છે, દેશને સ્વતંત્રતા તો મળી પણ દેશના ભાગલાનો એ લોહીયાળ ઘટનાક્રમ, એ બર્બરતાપૂર્વક થયેલ હત્યાકાંડ દેશ માટે એક ખરાબ સ્મૃતિ બનીને રહી ગયા છે. પરંતુ દેશ આજે ભૂતકાળને પાછળ છોડીને તેજ ગતિએ વિકાસની રફતાર પકડી રહ્યો છે પરંતુ દેશનું વિભાજન થયુ અને તેની સાથે સંકળાયેલ ગોઝારી યાદો અને તેની પીડા ક્યારેય ભૂલી ન શકાય.