શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર
સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા
- Advertisement -
સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિના દિવસોમાં અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહી છે.ત્યારે શ્રાવણ માસના પર્વે દૂર દૂરથી ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરવા પધારે છે.આજે શ્રાવણના બીજા સોમવારે સવારે 4 વાગ્યે મંદિરના દ્વાર ખુલતા શિવ ભક્તો મોટી સંખ્યમાં ઉમટી પડ્યા હતા અને સોમનાથ મહાદેવના વિશેષ શ્રુંગારના અલોકિક દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી સાથે સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતીનો લાભ લઇ હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. શિવ ભક્તોનો મહાઉત્સવ એટલે કે પવિત્ર શ્રાવણ માસ ચાલી થયો છે ત્યારે સોમનાથ મંદિરમાં મહાદેવને નિત્યક્રમ ઉપરાંત વિશેષ પૂજન અને શ્રૃંગાર કરવામાં આવે છે. મહાદેવને શ્રાવણ માસ દરમિયાન પ્રત્યેક દિવસે વિશેષ સાયમ શ્રૃંગાર કરવામાં આવે છે.શ્રાવણના સાતમા દિવસે સોમનાથ મહાદેવને શિવજીને પ્રિય માનવામાં આવતા અર્ક એટલેકે આંકડાના પુષ્પો તેમજ વિવિધ રંગના પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ભકતોને અર્ક અને વિવિધ રંગના પુષ્પોથી સુશોભિત શિવજીના સૌમ્ય સ્વરૂપના મનમોહક દર્શનનો લાભ મળ્યો હતો. સનાતન ધર્મમાં પ્રાચીન કાળથી મહાદેવને અર્ક પુષ્પની પૂજા કરવાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર અર્ક પુષ્પને શિવજીની ઉપાસનાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. અર્ક પુષ્પ સાથે ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તની આધ્યાત્મિક પ્રગતિ થાય છે. તેમજ તેમના કર્મફળમાં સુધારો થાય છે, શિવ ઉપાસનામાં અર્ક પુષ્પ શ્રેષ્ઠ તત્વ હોવાનું વર્ણન સનાતન સંસ્કૃતિની પરંપરાઓમાં જોવા મળે છે. અર્ક પુષ્પ અલંકૃત ભગવાન શિવજીના દર્શન કરવાથી ભક્તોનો સંયમ વધે છે અને તેમને મહાદેવની અનુભૂતિ તરફ આગળ વધવામાં મદદ મળે છે. દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા. જેમાં ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા ટ્રસ્ટ પરિવાર સમેત પાલખી પૂજા કરી પાલખીયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રામાં પ્રદક્ષિણા આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.જયારે શ્રાવણના બીજા સોમવારે વેહલી સવારથી શિવ ભક્તો ખુબ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટી પડતા આજ સાંજ સુધીમાં 50 હજાર જેટલા શિવ ભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.