ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.7
બાંગ્લાદેશના શેખ હસીનાની સરકારને હટાવવા થયેલા હિંસક આંદોલન અટકાવવાનું નામ લઈ રહ્યા નથી. ખાસ કરીને અવામી લીગના નેતાઓ અને લઘુમતી હિન્દુઓને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. મોટાપાયે હત્યાઓ થઈ રહી છે. ઢાકામાં અવામી લીગના એક નેતાની હોટલમાં આગચંપી કરતાં ત્યાં હાજર લગભગ 24 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. જેમાં ઈન્ડોનેશિયાનો એક નાગરિક પણ સામેલ છે. જે આ હોટલમાં રોકાયો હતો.
- Advertisement -
સોમવારે મોડી રાત્રે ટોળાએ જોશોર જિલ્લામાં અવામી લીગના જનરલ સેક્રેટરી શાહીન ચક્કલદારની માલિકીની જબીર ઇન્ટરનેશનલ હોટલને આગ ચાંપી હતી, જેમાં 24 લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના લોકો હોટલમાં રોકાયા હતા. ઢાકાના એક સ્થાનિક પત્રકારે કહ્યું, ’મૃતકોમાં એક ઈન્ડોનેશિયાનો નાગરિક પણ સામેલ છે.’ જોશોર જનરલ હોસ્પિટલના ડોકટરોએ પુષ્ટિ કરી છે કે તેઓએ 24 મૃતદેહો મળ્યા છે, જ્યારે બચી ગયેલા હોટલ સ્ટાફને ભય વ્યક્ત કર્યો છે કે, કાટમાળ નીચે વધુ મૃતદેહો હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અવામી લીગ સરકારનો વિરોધ કરતા રોષે ભરાયેલા ટોળાએ હોટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લગાવી હતી જે ઉપરના માળ સુધી ફેલાઈ હતી.
બાંગ્લાદેશમાં આ હિંસક આંદોલનમાં અત્યારસુધી 400થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં અવામી લીગના 20થી વધુ નેતાઓની હત્યા કરવામાં આવી છે. વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ દેશ છોડી જતાં રહેતાં બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાઈ છે. અત્યારસુધી 440 લોકોના મોત થયા છે. દેશમાં સેના આ સ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસ કરી રહી છે.
સ્થાનિક મીડિયા અનુસાર, મંગળવારે સ્થિતિ સામાન્ય થઈ હોવાના સંકેત મળ્યા હતા. પોલીસ અને સેના માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત કરી રહી છે. સોમવારે અશાંતિ બાદ મંગળવારે વહેલી સવારથી શાંતિ જોવા મળી છે. રસ્તાઓ પર જાહેર વાહનો અને બસો શરૂ થઈ છે. દુકાનદારોએ પોતાની દુકાન ખોલી છે.