પાપનાં પોટલાં સાથે રંગેહાથ ઝડપાયેલાં અલ્પના મિત્રા મામલામાં તપાસ શેની?
કહેવાય છે કે, મિત્રા મેડમ બ્રેકફાસ્ટમાં આઠ-દસ સાગઠિયાને, લંચ-ડિનરમાં પચાસ-સો સાગઠિયાને કાચેકાચાં ચાવી જાય છે
- Advertisement -
અલ્પના મિત્રાનાં ઘરેથી મળેલી ફાઈલો અંગે તપાસ ચાલું: વોટરવર્કસ અને ડ્રેનેજની ફાઈલો છે
કમિશનર: ‘મામલાની તપાસ થશે’
અર્થવિસ્તાર: વીંટો વાળી દેવાશે
કમિશનર: કોઈ દોષીને છોડાશે નહીં
અર્થવિસ્તાર: કોઈનો વાળ પણ વાંકો નહીં થાય
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
- Advertisement -
દરેક પ્રકારની તપાસ અને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એક નાટક જ હોય છે. મોરબી ઝૂલતાં પુલની દૂર્ઘટનાથી લઈ હરણી બૉટ કાંડ અને રાજકોટના અગ્નિકાંડ સુધી સાબિત થઈ ચૂક્યું છે. રાજકોટના ભૂતપૂર્વ સિટી ઍન્જિનિયર અલ્પના મિત્રાના કિસ્સામાં પણ આવું જ બનવાનું છે. પાપનાં પોટલાં મિત્રાનાં ઘેરથી જ મળ્યા છે, ત્યાં એ ફાઈલો લઈ જનાર કોણ હતું એનાં વિડીયો ફૂટેજ સહિતના પુરાવા છે- તો દસ દિવસની તપાસ આપવાનો શો મતલબ છે? સીધી એફ.આઈ.આર. અને ધરપકડ શા માટે નહીં? શું અલ્પના મિત્રાને અને મળતિયાઓને બચાવ માટે સમય અપાઈ રહ્યો છે? આવા અનેક સવાલો રાજકોટ મહાનગરપાલિકામાં અને પ્રજામાં ચર્ચાઈ રહ્યાં છે.
સો-બસ્સો રૂપિયાની લાંચ લેતાં લોકોને ABC પકડી લે છે. પરંતુ અબજો ગૂપચાવી શાંતિથી અલ્ટ્રા લકઝુરિયસ જીવન માણતા લોકોને ઉની આંચ પણ આવતી નથી. આ તપાસ નર્યો ખેલ છે. પગલાં લેનારાઓના મોઢા લાલ હોય. તપાસ પછી થતી રહેશે, સૌ પ્રથમ તો પોટલાં ચોરવાની, કિંમતી સરકારી કાગળો- દસ્તાવેજો ચોરવાની પોલીસ ફરિયાદ થવી જોઈતી હતી.
લોકોની માંગ એવી પણ છે કે, માત્ર આ ફાઈલોના પોટલાં જ નહીં પરંતુ આવાસ- ઙઙઙ યોજનામાં અલ્પના મિત્રાની સંપૂર્ણ કામગીરીની માઈક્રોસ્કોપિક તપાસ થવી જોઈએ. શું તેમણે બિલ્ડરોની કોઈ વિશિષ્ટ ફેવર કરી છે? શું તેમની સામે ભૂતકાળમાં થયેલાં આક્ષેપોમાં દમ હતો? આ બધી તપાસ અત્યંત જરૂરી છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનાં નિવાસસ્થાને સોમવારે મ્યુનિસિપલ કમિશનરના આદેશથી વિજિલન્સ શાખા દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમના ઘરે કેટલાક કર્મચારીઓ દ્વારા ફાઈલો પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. તેમજ વિજિલન્સની ટીમે મોડીરાત સુધી તપાસ કરતા ઓફિસ ફાઈલો સહિતની વસ્તુઓ મળી આવી હતી. અલ્પના મિત્રાએ આ ફાઈલો પોતાના ઘરે કેવી રીતે આવી તેના વિશે અજાણ હોવાનો લૂલો બચાવ કર્યો હતો. સમગ્ર મામલે તપાસનીશ અધિકારી ઇન્ચાર્જ વિજિલન્સ ઓફિસરે જણાવ્યું હતું કે, પૂર્વ સિટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રાનાં ઘરેથી મળેલી ફાઈલો અંગે તપાસ ચાલુ છે. જેમાં તમામનાં નિવેદન લઈ જવાબદારો સામે પગલાં લેવાશે.
ઇન્ચાર્જ વિજિલન્સ ઓફિસર બી.એલ. કાથરોટિયાનાં જણાવ્યા મુજબ, પૂર્વ સિટી ઈજનેર અલ્પનાબેન મિત્રાનાં ઘરેથી ડ્રેનેજ, વોટરવર્ક્સ પ્રોજેક્ટની ફાઈલો, રજિસ્ટરો અને એમબી મળી આવ્યા છે. જેમાં 37 ફાઈલો તેમજ 58 જેટલા રજિસ્ટર અને એમબી છે. એમબી એટલે કે, મેજરમેન્ટ બુક હોય છે. જેમાં કોઈપણ કામો થતા હોય તેની પ્રાથમિક ડિટેઇલ સાથેની વિગતની નોંધ થતી હોય છે. જેને અધિકારીઓ પ્રમાણિત કરતા હોય છે. હજુ આ ફાઈલો ચકાસવાની બાકી હોવાથી કયા પ્રકારની ફાઈલો છે તે જાણકારી મળી નથી.
જો કે, આ બધી ફાઈલો મોટાભાગે મહાનગરપાલિકાનાં કામોની ફાઈલો હોવાનું જણાઈ રહ્યું છે. જેનાથી કોઈને વ્યક્તિગત ફાયદો થાય તેવું જણાતું નથી. આ પ્રકરણને સાગઠિયા સાથે કોઈ સંબંધ હોવાનું અત્યારે તો લાગતું નથી અને ડિપાર્ટમેન્ટ અલગ-અલગ હોવાથી શક્યતા નહિવત છે. હાલમાં મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ આ પ્રકરણમાં સંકળાયેલા લોકોના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે. ખાતાકીય તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સીસીટીવી ફૂટેજ સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે. ત્યારબાદ જે કોઈ જવાબદાર હશે તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 31 જુલાઈએ નિવૃત્ત થયેલા સિટી ઈજનેર અલ્પના મિત્રા ઓગસ્ટ માસમાં જૂની તારીખની સહી કરવાની તૈયારીએ ઈજનેરોને બંગલે બોલાવ્યાનું પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે. મિત્રાના બંગલે ગયેલા એક નાયબ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું કે, મિત્રા મેડમે મે, જૂન અને જૂલાઈ માસના વોટરવર્ક્સના મેઇન્ટેનન્સના અનેક બિલોમાં સહી કરી નહોતી. વળી, મનપામાં એવો પરિપત્ર છે કે, કોઈ નવા અધિકારી ચાર્જમાં આવે એટલે તે જૂની તારીખના બિલો મંજૂર કરતા નથી. જેમ કે, હાલ મિત્રાનો ચાર્જ દેથરિયાને 1 ઓગષ્ટથી અપાયો છે. આથી 1 ઓગસ્ટ પછીના બિલો મંજૂર કરે છે.
PPP યોજનામાં બિલ્ડરોને દસગણો ફાયદો મળે છે
સામાન્ય લોકોના ઉત્કર્ષ માટે અને નિમ્ન મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના ઉત્થાન માટેની દરેક યોજનાઓમાંથી સરકારી ઉંદરડાઓ ચલણી નોટો કોતરી ખાય છે. ઙઙઙ યોજના ખરેખર લોકો માટે બની છે. પરંતુ બન્યું છે એવું કે, બિલ્ડરો અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓ તેમાંથી ચિક્કાર પૈસા રળે છે અને લોકોનાં ભાગે નબળા આવાસ આવે છે. બિલ્ડરો જો જમીન લઈને પ્રોજેક્ટ બનાવે તો તેમાં જેટલો નફો મળે છે તેનાં કરતાં દસગણો પ્રોફિટ PPP યોજનામાં છે. અલ્પના મિત્રા પાસે આ કામગીરી પણ હતી.