કારખાના નજીક ખેડૂતોની જમીન પર રજના થર જામી ગયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાને આર્થિક સધ્ધર બનાવવા માટે ઉદ્યોગો સ્થાપિત થાય તે ખુબજ સારી બાબત છે પરંતુ કેટલાક ઉદ્યોગોના લીધે અહીંનું મૂળ ધાન્ય ઉત્પાદન કરતા ખેડૂતોને નુકશાન કરતા સાબિત થાય છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામે આવેલી પ્લાયવુડ બનાવતી કંપની માંથી ઉડતી ઝીણી બારીક રજ કારખાનાના પાસે આવેલી ખેતી લાયક જમીનને ખુબજ નુકશાન કરી રહી છે. જેગડવા ગામે આવેલી આ પ્લાયવુડ બનાવતી કંપની દ્વારા કોઈપણ જાતની સુરક્ષા વગર બારીક રજ પવનની સાથે કારખાનાના આજુબાજુ આવેલી ખેતી લાયક જમીનો સુધી પહોંચે છે અને ખેડૂતોએ મહામહેનતે કરેલ પાકના વાવેતર પર ઝીણી બારીક રજનું રીતસર થર જામી જાય છે જેથી વાવેતર કરેલ પાક જમીનમાંથી બહાર નીકળે અને કુપણ ફૂટે કે તરત જ ઝીણી રજના લીધે પાક નિષ્ફળ થઈ જાય છે.
જ્યારે જીરું , કપાસ, મગફળી સહિતના પાકને સુકારો લગી જવાની ઘટના પણ સામે આવી છે ત્યારે જેગડવા ગામે આવેલી પ્લાયવુડ બનાવતી કંપનીના આજુબાજુ આવેલી તમામ ખેતી લાયક જમીનોમાં આ પ્રકારની સમસ્યા કંપની નિર્માણમાં આવી ત્યારથી જ ખેડૂતોને સતાવી રહી છે જે બાબતે ખેડૂતો દ્વારા અગાઉ પણ સુરેન્દ્રનગર ગુજરાત પોલ્યુશન નિયંત્રણ બોર્ડને રજૂઆત કરી હતી પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી નહી થતાં હવે ખેડૂતોને પોતાની રોજીરોટી માટેની માત્ર એક ખેતી લાયક જમીન પણ છોડી દઈ હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ ઉદભવ થઈ છે.