હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ વડોદરામાં સવારે 8થી 4 ઇંચ વરસાદ વરસતા કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, સહિત તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા છે.
માત્ર 3 ઇંચ વરસાદમાં પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખૂલી પડી ગઈ હતી. કલેકટર બીજલ શાહે જણાવ્યું કે, જિલ્લામાં ભારે વરસાદને પગલે વહિવટી તંત્ર સાબદુ કરવામાં આવ્યું છે. નદી કે કાંસ ઉપર પૂલ પરથી પાણી ભયજનક સપાટી વટાવી વહેતું હોય ત્યારે તેને પાર ના કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે. નવાયાર્ડ વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી જતા રહેવાસીઓ મુશ્ર્કેલીમાં મુકાયા છે. ઘરની અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી.ઘરની તમામ ઘર વખરી પાણીમાં પલળી ગઈ છે. તો સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.



