ઘૂંટણસમા પાણીમાં ઉતરીને સ્થળની સ્થિતિ અંગે સમીક્ષા કરતા કલેક્ટર
ભરાયેલા પાણીનો સત્વરે નિકાલ આવે તે માટે તંત્રવાહકોને દિશાનિર્દેશ
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ
છેલ્લાં અઠવાડિયાથી વેરાવળ શહેરમાં પડી રહેલાં અનરાધાર વરસાદના કારણે વેરાવળનાં ઘણાંબધા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વેરાવળ નગરમાં એકસાથે વધુપડતું પાણી આવતાં ઘણાં વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયાં હતાં. ખાસ કરીને, શાહિગરા કોલોની, વોર્ડ નંબર-5 અને વોર્ડ નંબર-6 તેમજ નિઝામ બેકરી સહિતના વિસ્તારોમાં દેવકા નદીનું પાણી મોટા પ્રમાણમાં ફરી વળતાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.વરસાદે થોડો વિરામ લેતાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળના પાણીગ્રસ્ત શાહિગરા કોલોની, વોર્ડ નંબર-5 અને વોર્ડ નંબર-6ની વિવિધ સોસાયટીઓ સહિત રેલવે ફાટકના આસપાસના વિસ્તારોમાં ઘૂંટણસમા ભરાયેલા પાણીમાં ઉતરીને વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યાના કારણો સ્થાનિક રહેવાસીઓ પાસેથી જાણ્યાં હતાં.
- Advertisement -
કલેક્ટરએ આ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂનની કામગીરીના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં રહેલી પાણીની ગટરની લાઈનોને સાફ કરાવી હતી. કેચપીટોની પણ સફાઈ કરાવી હતી. આ ઉપરાંત, દેવકા નદીમાં વ્યાપક પ્રમાણમાં ઝાડી-ઝાંખરાના કારણે દેવકા નદીનો દરિયામાં જતો પાણીનો પ્રવાહ ખૂલ્લો થાય તે માટે વ્યાપક સાફ-સફાઈ કરાવી હતી. જેના કારણે વેરાવળ શહેરમાં પ્રમાણમાં ઝડપથી પાણી ઉતરી ગયું હતું. આ ભરાયેલા પાણીનો સત્વરે નિકાલ આવે તે માટે કલેક્ટરએ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા અને ઉપસ્થિત અધિકારીઓને વરસાદી પાણીના કુદરતી વહેણને નડતરરૂપ દબાણનો તાત્કાલિક સર્વે કરીને સાંજ સુધીમાં રિપોર્ટ કરવા તેમજ વરસાદી પાણીના કાયમી નિકાલ અને નક્કર આયોજન કરવા આગામી 15 દિવસમાં સચોટ કાર્યવાહી હાથ ધરવા માટે કડક સૂચનાઓ આપી હતી.



