તાલાલા પંથકમાં મોસમનો કુલ વરસાદ 30 ઈંચ
કમલેશ્ર્વર ડેમ 37 ફૂટ ભરાયો મોટાભાગના ગામોનો વાહન વ્યવહાર ઠપ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાલાલા પંથકમાં ચોથા દિવસે પણ મેઘ મહેર યથાવત રહેતા આખો પંથક જળબંબાકાર બની ગયો છે. આજે ચોથા દિવસે તાલાલા શહેરમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.આજના વરસાદ સાથે તાલાલા પંથકમાં મોસમનો કુલ વરસાદ 30 ઇંચ સત્તાવાર નોંધાયો છે.આજે તાલાલા શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વધુ હોય તાલાલા થી ચિત્રાવડ, તાલાલા થી ધણેજ અને તાલાલાથી સાંગોદ્રા ગીર સહિતના અનેક ગામોના માર્ગો ઉપર ઠેર ઠેર પાણી ભરાતા પંથકના મોટાભાગના ગામો સાથેનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.
તાલાલા ગીર તથા ઉપરવાસમાં વ્યાપક વરસાદના કારણે તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદીમાં મોસમનું સૌથી મોટું અભૂતપૂર્વ ઘોડાપુર આવતા લોકોના ટોળેટોળા પૂર જોવા નદી ઉપર એકઠા થયા હતા. તાલાલા પંથક તથા ગીરના જંગલ વિસ્તારમાં અવિરત વરસાદથી તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્વર ડેમમાં વ્યાપક પ્રમાણમાં પાણીનો જથ્થો આવતા ડેમ 37 ફૂટ એટલે કે 80 ટકા જેટલો ભરાઈ ગયો છે. આ વર્ષે પણ ડેમ ઓવરફ્લો થવા જઈ રહ્યો હોવાના સમાચારથી તાલાલા પંથકના લોકો આનંદવિભોર થઈ ગયા છે.



