ઇન્જેક્શન આપવામાં આવતા આંચકી ઉપડી હતી, તપાસ સમિતિની નિમણૂક
સર્જિકલ વોર્ડમાં રવિવારે સવારે ઇન્જેક્શન બાદ અસર જોવા મળી, મેડિકલ કોલેજની ડ્રગ કમિટીને તપાસ સોંપાઇ
ડૉક્ટર-નર્સિંગ સ્ટાફે લાંબો સમય ધ્યાન નહીં આપ્યાની રાવ, રિપોર્ટ બાદ કાર્યવાહીનો તબીબી અધિક્ષકનો નિર્દેશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રવિવારે સવારે સર્જિકલ વોર્ડમાં ઇન્જેક્શન અપાયા બાદ ત્રણ વર્ષના બાળક સહિત 30 લોકોને સાઇડ ઇફેક્ટ જોવા મળતાં દેકારો મચી ગયો હતો.

- Advertisement -
સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા સર્જરી વિભાગમાં રવિવારે સવારે 30 દર્દીઓને પાઇન્ટ (બાટલા)માં ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. ઇન્જેક્શન આપ્યાની પંદરેક મિનિટ બાદ ત્રણ વર્ષના ધ્રુવને આંચકી ઉપડ્યા બાદ તે બેભાન થઇ ગયો હતો જ્યારે અન્ય 29 દર્દીને ઠંડી સાથે તાવ શરૂ થયો હતો, આ અંગેની જાણ થતાં તબીબી અધિક્ષક આર.એસ.ત્રિવેદી સર્જરી વોર્ડમાં દોડી ગયા હતા અને દર્દીઓની હાલત વધુ બગડે નહીં તે માટે સાઇડ ઇફેક્ટની મારણ દવારૂપ એન્ટિડોટ (ઇન્જેક્શન) આપવામાં આવતા ત્રીસ મિનિટમાં તમામ દર્દીઓની સ્થિતિ સુધારા પર આવી ગઇ હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 3 વર્ષના બાળકને વધરાવળના ઓપરેશન બાદ આજે ઇન્જેક્શન આપવામાં આવતા આંચકી ઉપડી હતી. શુક્રવારે ઓપરેશન માટે સિવિલમાં દાખલ કરાયો હતો જેમાં ઓપરેશન સફળ થયું હતું અને આજે રજા આપવાના હતા પરંતુ સવારે સારવાર માટે ઇન્જેક્શન આપવામાં આવ્યું જે બાદ બાળકની તબિયત લથડી જતા બાળકને આંચકી આવવા લાગી હતી. તેના પિતાનો આક્ષેપ છે કે ઇન્જેક્શનની આડ અસર થવા પામી છે.ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સીરીંજ, ઇન્જેક્શન કે આઇ.વી.સેટને કારણે રિએક્શન આવ્યાની શંકા છે, હાલમાં એ તમામ શંકાસ્પદ દવા, ઇન્જેક્શન અને આઇ.વી.સેટનો જથ્થો સીલ કરાયો છે, અને ક્યા કારણોસર આડઅસર જોવા મળી તેનું સ્પષ્ટ નિદાન કરવા માટે મેડિકલ કોલેજની એડીઆર (ડ્રગ રિએક્શનની નોંધ કરતી) કમિટીને તપાસ સોંપવામાં આવી છે, કમિટીના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. એકસાથે ત્રીસ ત્રીસ દર્દીને ઇન્જેક્શનની આડઅસરની ઘટનાથી સિવિલમાં થોડીવાર માહોલ તંગ થઇ ગયો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તે અને રિએક્શન નાબૂદ કરવાની દવાઓ તાત્કાલીક આપી દીધેલ હતી. પરિણામે દર્દીને ગંભીર આડ અસર થતા અટકી ગયેલ છે.
રાજકોટ સિવિલમાં માત્ર
1 જ એમ્બ્યુલન્સ ચાલું: 8માંથી 7 એમ્બ્યુલન્સ બંધ
સિવિલમાં દાખલ દર્દીઓની સ્થિતિ ગંભીર થાય અને તેને તબીબો દ્વારા અમદાવાદ શિફ્ટ કરવાનું કહેવામાં આવે ત્યારે દર્દીના સંબંધીઓ સિવિલ હોસ્પિટલના ડ્રાઇવર રૂમનો સંપર્ક કરી દર્દીને અમદાવાદ ખસેડવા માટે એમ્બ્યુલન્સની પૃચ્છા કરે ત્યારે એમ્બ્યુલન્સ બંધ હોવાનો જવાબ મળે છે, તેથી ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઇવરનો નાછૂટકે સંપર્ક કરે છે અને લેભાગુ તત્ત્વો ગેરલાભ ઉઠાવી રૂ.3000 થી 4500 સુધી ભાડું વસૂલે છે. અમદાવાદનું સિવિલની એમ્બ્યુલન્સનું રિટર્ન ભાડું રૂ.800 થાય છેે. એમ્બ્યુલન્સ રૂમના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે, 8માંથી 7 એમ્બ્યુલન્સ બંધ છે,
- Advertisement -
કોઇમાં ઓઇલ બદલવાનું છે તો કોઇમાં ટાયર બદલવાના છે, એકાદ બે એમ્બ્યુલન્સ સર્વિસ નહીં કરવામાં આવી હોવાથી બંધ છે, તબીબી અધિક્ષકને અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ ત્યાંથી મંજૂરીની મહોર મારવામાં નહીં આવતા એકસાથે 7 એમ્બ્યુલન્સ હાલમાં બંધ છે.


