પ્રથમ બેચને વયમર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે: શારીરિક કસોટી આપવી નહીં પડે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
- Advertisement -
કેન્દ્ર સરકારના અગ્નિવીર અંગેના નિર્ણયના બે વર્ષ બાદ ગુરુવારે CISF અને BSFએ પૂર્વ અગ્નિવીરને 10% અનામત આપવાની જાહેરાત કરી હતી. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિયમો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે. બીએસએફના ડીજી નીતિન અગ્રવાલ અને સીઆઈએસએફ ડીજી નીના સિંહે આ માહિતી આપી હતી. હકીકતમાં, 18 જૂન, 2022ના રોજ, ગૃહ મંત્રાલયે આ સંબંધમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે CAPF અને આસામ રાઇફલ્સમાં ભૂતપૂર્વ અગ્નિવીરોને 10% અનામત આપવામાં આવશે. BSF, CRPF, ITBP, SSB અને CISF સશસ્ત્ર દળો CAPF હેઠળ આવે છે. CISF DG નીના સિંહે કહ્યું, ‘ભવિષ્યમાં, કોન્સ્ટેબલની તમામ ભરતીમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10% નોકરીઓ અનામત રાખવામાં આવશે. કોઈ શારીરિક કસોટી આપવાની રહેશે નહીં. ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. પ્રથમ બેચ માટે ઉંમરમાં છૂટછાટ 5 વર્ષની રહેશે, પરંતુ આગામી બેચ માટે આ છૂટ માત્ર 3 વર્ષની રહેશે.
બીએસએફના ડીજી નીતિન અગ્રવાલે કહ્યું, ‘સૈનિકોને અગ્નિવીર યોજનાનો 4 વર્ષનો અનુભવ છે. તેઓ સંપૂર્ણપણે શિસ્તબદ્ધ અને પ્રશિક્ષિત છે. આ બીએસએફ માટે ખૂબ જ સારું છે. તાલીમ બાદ પસંદગી પામેલા અગ્નિવીરોને બોર્ડર પર તૈનાત કરવામાં આવશે.’
સરકારે 2022માં અગ્નિપથ યોજના શરૂ કરી હતી. આ અંતર્ગત યુવાનોને આર્મી, નેવી અને એરફોર્સમાં ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવે છે. 4 વર્ષમાં છ મહિનાની તાલીમનો પણ સમાવેશ થાય છે. ચાર વર્ષ બાદ અગ્નિવીરને તેની કાર્યક્ષમતાના આધારે રેટિંગ આપવામાં આવશે. આ યોગ્યતાના આધારે 25% અગ્નિવીરોને કાયમી સેવામાં લેવામાં આવશે. બાકીના સિવિલ વિશ્ર્વમાં પાછા આવશે.
આ સ્કીમમાં ઓફિસર રેન્કથી નીચેના સૈનિકોની ભરતી થશે. એટલે કે તેમની રેન્ક Personnel Below Officer Rank એટલે કે POBR તરીકે થશે. આ સૈનિકોની રેન્ક સેનામાં અત્યારે થતી કમિશન્ડ ઓફિસર અને નોન-કમિશન્ડ ઓફિસરની ભરતીથી અલગ હશે. વર્ષમાં બે વખત રેલી દ્વારા ભરતી કરવામાં આવશે.