કંપની દ્વારા કાગળોમાં છેડછાડ કરી અને કરચોરી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવે છે: વેપારીએ નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જેસીબી કંપનીના ડીલર જીતેન્દ્ર ઈક્વિપમેન્ટ (રાજકોટ ઝોન) દ્વારા કરોડો રૂપિયાની અનીતિ કરી ગ્રાહકો પાસેથી પૈસા પડાવતા હોવાની ફરિયાદ ઉઠી છે. આ અંગે પોરબંદરના અર્થમૂવર્સના વેપારી કિશન મોઢવાડિયાએ જેસીબી કંપનીના ડીલર વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં લેખિત ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં પોરબંદરના રામદે ગોજીયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કંપની દ્વારા કાગળોમાં છેડછાડ કરી અને કરચોરી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનું કિશન મોઢવાડિયાએ જણાવ્યું હતું.
પોરબંદરના અર્થમૂવર્સના વેપારી કિશનભાઈ રાજુભાઈ મોઢવાડિયાએ ફરિયાદમાં જણાવ્યું કે અમે છેલ્લા 10 વર્ષથી ધંધા સાથે સંકળાયેલા છીએ ત્યારે જેસીબી કંપનીના રાજકોટ ઝોનના ડીલર જીતેન્દ્ર ઈક્વિપમેન્ટ જે હાલ રાજકોટમાં કાર્યરત છે અને અમોએ તેમની પાસેથી હીચાચી મશીનનું ક્વોટેશન મંગાવેલું છે જેમાં તેમણે એક મશીનની કિંમત રૂા. 65 લાખ આપેલી છે, તે મશીન અમે લેવા જઈએ તો 55 લાખમાં આપવામાં આવે છે તેમજ તેઓની કંપનીના મેનેજર અમીત મહેતા દ્વારા તેઓ આ મશીન પોરબંદર ખાતે રહેતા રામદે પરબતભાઈ ગોજીયા મારફત આ મશીનની ખરીદી કરશે તો તેઓને રૂા. 49 લાખમાં મળી રહેશે જેથી આ કંપની દ્વારા આ રીતે કાગળોમાં છેડછાડ કરી અને કરચોરી (જીએસટી) કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાનું ધ્યાને આવ્યું છે જેથી આ વિશે યોગ્ય તપાસ કરી નિયમાનુસાર કાર્યવાહી કરવા રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદી કરી રજૂઆત કરી છે.