90 ટકા લોકોનો ચોરાયેલો રૂ.5 કરોડથી
વધુનો સામાન પરત અપાવ્યો
ટ્વિટર, હેલ્પલાઇનથી આરપીએફને મળેલી
17 હજાર જેટલી ફરિયાદનું નિરાકરણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
આરામદાયક અને સલામત મુસાફરી માટે રેલવેને અગ્રગણ્ય ગણવામાં આવે છે ત્યારે ભારતીય રેલવેની સુરક્ષા માટે રેલવે સુરક્ષા બલને જિમ્મેદારી સોંપવામાં આવી છે. મુસાફરોના જાનમાલની સુરક્ષા, સહાયતા માટે તૈનાત રેલવે સુરક્ષા બલના જવાનોએ વેસ્ટર્ન રેલવેમાં છેલ્લા છ મહિનામાં ઉત્કૃષ્ટ કામગીરી બતાવી છે.
પશ્ચિમ રેલવેના આરપીએફ દ્વારા વિવિધ ઓપરેશન હેઠળ ઝુંબેશ ચાલુ કરી હતી. રેલવે માર્ગે નશીલા દ્રવ્યોની હેરાફેરી થતી હોવાની માહિતીઓને પગલે રેલવે પોલીસે ઓપરેશન નાર્કોસ અંતર્ગતની ઝુંબેશમાં રૂ.14.43 લાખના નશીલા દ્રવ્યો સાથે 14 શખ્સને પકડી પાડ્યા હતા. ટ્રેનમાંથી વિદેશી દારૂ, નકલી ભારતીય ચલણ, તંબાકુ સહિતની રૂ.23 લાખની પ્રતિબંધિત ચીજવસ્તુઓ કબજે કરી 364 લોકો સામે કાનૂની કાર્યવાહી કરી હતી. ચાલુ ટ્રેને મુસાફરોના કિંમતી સામાન ચોરી થતા હોવાના બનાવો વચ્ચે રેલવે પોલીસે 90 ટકા લોકોનો ચોરાયેલો રૂ.5 કરોડથી વધુનો સામાન પરત અપાવડાવ્યો હતો.
- Advertisement -
ટ્રેનમાંથી 400થી વધુ ગુનેગારને ઝડપી લઇ રાજ્ય પોલીસને સોંપ્યા છે. રેલવે અધિનિયમ હેઠળ આરપીએફે છ મહિનામાં 98 હજારથી વધુ ફરિયાદ નોંધી હતી. જેમાં રૂ.2.27 કરોડથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની મુશ્કેલી કે કનડગતનું નિવારણ લાવવા માટે ટ્વિટર, હેલ્પલાઇન નંબરથી આરપીએફને મળેલી 17 હજાર જેટલી ફરિયાદનું નિરાકરણ લાવ્યું હતું.