ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.3
રાજુલા પંથકમાં મોડીરાતથી પવન સાથે ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે રાજુલા પંથકમાં અનેક જગ્યાએ મહાકાય વૃક્ષો ધરાશાયીની ધટનાઓ બની હતી. જેમા રાજુલાના ધારેશ્વર ગામ નજીક ચાંદલીયા ડુંગર નજીક એક મહાકાય પીપર વૃક્ષ ધરાશાયી થયું હતું.
વૃક્ષ ધરાશાય થતાં રાજુલા વિજપડી માર્ગ બંધ થયો હતો અને માર્ગ બંધ થતાં આસપાસના લોકોને મુશ્કેલીઓ પડી હતી. અન્ય બીજા રોડ પરથી વાહનચાલકોને પસાર થવુ પડ્યુ હતું. આ ધટના પગલે રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફીસર એસ.એમ.મકરાણીને જાણ થતાં તાત્કાલીક સ્ટાફને ધટના સ્થળે મોકલ્યા આ સાથે આર.એન.બી અધીકારીઓ તથા રાજુલા પોલીસ પણ ધટના સ્થળે પહોચી હતી. જે બાદ ધરાશાયી થયેલ વૃક્ષને રોડ પરથી હટાવા માટે કામગીરી કરાઇ અને ભારે જહેમત બાદ વૃક્ષ સાઇડમાં ખસેડી માર્ગને ખુલ્લો કરાયો હતો. તેમજ રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર પ્રેસિડેન્ટ હોટલ પાસે પીપરનું વૃક્ષ ધરાશાયી થતાં કાર પર પડતા કારને નુકસાન થયુ હતું તેમજ વીજવાયરો તૂટતા વિજળી ગુલ થઇ હતી.
- Advertisement -
સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
બીજી તરફ જાફરાબાદના બાબરકોટ ગામેથી મીતીયાળા ગામના જવાના માર્ગ પર મહાકાય પીપળનું વૃક્ષ ધરાશાયી થયુ હતું.
આ ધટના પગલે વનવિભાગ રાજુલા ફોરેસ્ટનો સ્ટાફ દોડી ગયો હતો. જીસીબી મદદથી વૃક્ષ રોડ પરથી ખસેડવામા આવેલ. રાજુલા વનવિભાગ અનકે જગ્યાએ વૃક્ષો પડેલા તાકીદે હટાવીને સરાહનીય કામગીરી કરવામા આવી છે. રાજુલા પંથકમાં ભારે પવન ફૂકાતા વૃક્ષ ધરાશાયની ધટનાઓ બનવા પામી હતી.