26 અરજદારોએ પોતાની વેદના ઠાલવી : ન્યાય અપાવવાની CPએ આપી ખાતરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
રાજકોટ પોલીસ દ્વારા ગઈકાલે વ્યાજખોરી સામે બાથ ભીડવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરી અંગે 26 અરજીઓ મળી હતી પોલીસ કમિશનર ઝાએ વ્યાજખોરો સામે પોલીસ સતત સક્રિય રહી ભોગ બનનારને ન્યાય આપશે તેવી ખાતરી આપી હતી.
શહેરના હેમુ ગઢવી હોલ ખાતે વ્યાજખોરી સામે યોજાયેલ લોકદરબારમાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ જણાવ્યું હતું કે નાણાની જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રથમ પ્રાયોરિટી હમેશા બેંકની જ રાખવી જોઈએ બેંક, સહકારી બેંક તેમજ સહકારી યોજનામાંથી જ નાણા મેળવવા જોઈએ કોઇપણ વ્યાજખોર ધમકાવે તો તેનાથી ડરવાને બદલે પોલીસનો સંપર્ક કરો અને પોલીસ સ્ટેશનમાંથી યોગ્ય પ્રતિસાદ ન મળે તો મને રૂબરૂ મળો ખાસ કરીને તમે જો બેંકમાથી લોન લેશો અને વ્યાજખોરો પાસે વ્યાજે પૈસા લેવા નહીં જાવ તો વ્યાજખોરનો ધંધો ઓટોમેટિક બંધ થઈ જશે અને કોઈપણ પગલું ભરતા પહેલા એક વખત પોલીસનો જરૂર સંપર્ક કરો તમને સો ટકા ન્યાય અપાવીશું તેવી ખાતરી પણ આપી હતી વધુમાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાની આર્થિક ક્ષમતા મુજબ જ પોતાની જીવનશૈલી જીવવી જોઇએ, જેટલી ચાદર હોય તેટલા જ પગ ફેલાવવા જોઇએ લગ્નપ્રસંગ સહિતના પ્રસંગોમાં લોકો દેખાદેખી કરીને પોતાની ક્ષમતા કરતા વધુ આર્થિક ખર્ચ કરી નાખતા હોય છે
રાજકોટમાં રહેતા અરજદાર માધુભાઇ ગોહેલે રજૂઆત કરતાં કહ્યું હતું કે, તેના પિતરાઇ ભાઇના પત્ની વ્યાજખોરીમાં ફસાયા હતા અને તેમની હાલત કફોડી બની હતી, એ વિસ્તારની લીલા નામની કુખ્યાત મહિલાએ અનેક લોકોને ઉંચા વ્યાજે નાણા આપી લોકોની જિંદગી હરામ કરી નાખી છે, આ મામલે પોલીસમાં જાણ કરી તો જમાદાર બોઘા ભરવાડે આમાં કંઇ ન થાય તેમ કહી કાઢી મુક્યા હતા અઢી કિલો કાગળની અરજીઓ લઈ 2018થી રખડું છું છતાં ન્યાય મળ્યો નથી