વિદ્યાર્થિનીના વાલીઓનું આર્થિક શોષણ, માનસિક સતામણી
વાલીએ શક્તિ સ્કૂલમાં ભરેલી એડવાન્સ ફીની રસીદ
- Advertisement -
શક્તિ સ્કૂલે વિદ્યાર્થીનું એડમિશન કેન્સલ કરી ફી પરત ન આપી તેનો પુરાવો
એડવાન્સમાં રૂા. 25 હજાર ભર્યાં હતાં, ધોરણ 10માં ઓછાં માકર્સ આવતા શાળાએ જ એડમિશન આપવાનો ઇન્કાર કર્યો પરંતુ પૈસા પરત ન કર્યાં !
જો શાળાએ સામે ચાલીને વિદ્યાર્થીનું એડમિશન કેન્સલ કર્યું હોય તો એડવાન્સ એડમિશન સમયે લીધેલી ફી પરત કેમ ન મળી શકે ?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
સૌરાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્રમાં કેટલાક શાળા સંચાલકો સેવાકીય પ્રવૃત્તિ કરી શિક્ષણની સુવાસ પ્રસરાવી રહ્યા છે તો કેટલાક શાળા સંચાલકો ગેરરીતિ આચારી શિક્ષણના ક્ષેત્રને કલંકિત કરી રહ્યા છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટ પાસે આવેલી શક્તિ સ્કૂલ અને તેના શાળા સંચાલકો કેટલીક ગેરશૈક્ષણિક પ્રવૃત્તિ કરી સમગ્ર શૈક્ષણિકજગતને કલંકિત કરી રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ દરેક વાલીઓએ શક્તિ સ્કૂલ જેવી શાળામાં પોતાના સંતાનોના એડમિશન લેતા પહેલા સો વખત વિચારવું અનિવાર્ય છે. બનાવની વિગત અનુસાર આજથી ત્રણેક મહિના અગાઉ નિર્મલ કાચા નામના એક વાલીએ પોતાની પુત્રીનું એડમિશન શક્તિ સ્કૂલમાં લેવાનું નક્કી કર્યું હતું. નિર્મલ કાચાએ પોતાની પુત્રી માટે ધો. 10 બાદ ધો. 11 સાયન્સમાં શક્તિ સ્કૂલમાં એડવાન્સમાં એડમિશન લઈ લીધું. આ માટે તેઓએ ગત તા. 9-4-24ના રોજ 25000 રૂ. જેટલી ફી પણ ભરી રસીદ લઈ દીધી હતી. ત્યારબાદ નિર્મલ કાચાની પુત્રીને ધો. 10માં ઓછા ગુણ આવતા શક્તિ સ્કૂલના સંચાલકોએ સામે ચાલીને તેમનું એડમિશન કેન્સલ કરી નાખ્યું એટલું જ નહીં નિર્મલ કાચાએ પોતાની પુત્રીના એડમિશન માટે એડવાન્સમાં ભરેલી 25000 રૂ. ફી પણ પરત દેવાની ના પાડી દીધી.
શક્તિ સ્કૂલના શાળા સંચાલકોએ વાલીને આર્થિક નુકસાન પહોચાડ્યા ઉપરાંત કેટલાય ધક્કા ખવડાવીને માનસિક ત્રાસ પણ આપ્યો હતો. સમગ્ર મામલાની હકીકત જાણવા ખાસ-ખબર દ્વારા શક્તિ સ્કૂલના સંચાલક પંકિલ મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પંકિલ મહેતાએ જણાવ્યું હતું કે, તે વાલીને ફી પરત મળવા પાત્ર નથી. એક વાલીને ફી પરત કરીએ તો બધા વાલીને ફી પરત કરવી પડે. અમારા સ્કૂલની પોલિસી મુજબ ફી રિફંડેબલ નથી છતાં અમે 50 ટકા ફી પરત કરવા તૈયાર હતા પરંતુ તે વાલીને પૂરી ફી પરત જોઈએ છે જે શક્ય નથી. શક્તિ સ્કૂલના સંચાલકે બેશરમીથી વાલીને ફી પરત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. અહીં સૌથી અગત્યનો સવાલ એ છે કે, જે વિદ્યાર્થી એકપણ દિવસ શાળાએ આવ્યો નથી, જે વિદ્યાર્થીનું શાળા દ્વારા એલસી પણ જમા કરાવવામાં આવ્યું નથી કે શાળાના ચોપડે જે વિદ્યાર્થીનું નામ પણ બોલતું નથી ઉપરાંત શાળાએ જ સામે ચાલીને જે વિદ્યાર્થીનું એડમિશન કેન્સલ કર્યું છે તો તે વિદ્યાર્થીનું એડવાન્સ એડમિશન લીધા સમયે ભરેલી ફી મળવાપાત્ર કેમ ન હોય શકે? આ સમગ્ર મામલે વાલીમંડળે શક્તિ સ્કૂલ જેવી શાળાઓ વિરુદ્ધ જાગૃત બનવાની જરૂર છે.
શાળાએ વાલીને ફી પરત કરી દેવી જોઈએ: DEO રાણીપા
શક્તિ સ્કૂલના સંચાલકોએ એડવાન્સ એડમિશન અને ફી લઈ લીધા બાદ એડમિશન કેન્સલ કરી વાલીને ફી પરત ન કરતા વાલીએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ જઈ રાણીપાનો સંપર્ક કરવા કોશિશ કરી હતી પરંતુ રાણીપા તેઓને હાજર મળ્યા ન હતા. આ મામલે વાલીઓએ ખાસ-ખબરનો સંપર્ક કરી સમગ્ર વિગત જણાવતા ખાસ-ખબર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી રાણીપાનો સંપર્ક કર્યો હતો. રાણીપાએ જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થી શાળાએ ન ગયો હોય કે એલસી જ જમા ન કરાવ્યું હોય તો શાળાએ વાલીએ એડવાન્સમાં ભરેલી ફી પરત કરી દેવી જોઈએ. વિદ્યાર્થીને ભણાવ્યા કે નામ ચડાવ્યા વિના શાળા ફી લઈ ન શકે. કોઈ શાળા પોતાની સ્વતંત્ર પોલિસી કે નિયમ બનાવી ન શકે.
શાળા સંચાલકો એડમિશન કેન્સલ કરી એડવાન્સ ફી રાખી શકે નહીં: ડી વી મહેતા
શક્તિ સ્કૂલ જેવી સ્કૂલ ફી મામલે ગેરરીતિ આચરતી હોવાની ઘટના વિશે શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી વી મહેતાએ જણાવ્યું હતું કે, દરેક સ્કૂલની ફી પોલિસી અલગઅલગ હોય છે. તમામ સ્કૂલના નિયમ જુદાજુદા હોય છે પણ શાળા સંચાલકો એડમિશન કેન્સલ કરી એડવાન્સ ફી રાખી શકે નહીં, તેમણે ફી પરત કરવી જોઈએ. પણ હા, આ વિશે સૌ પ્રથમ તમામ હકીકત જાણવી પડે. જો કોઈ વિદ્યાર્થી સ્કૂલે જ ન ગયો હોય તો સ્કૂલ ક્યાં કારણોસર ફી પરત કરતી નથી એ સ્કૂલની પોલિસી મુજબ નક્કી થાય. આમ છતાં એલસી ન આપ્યું હોય કે વિદ્યાર્થી ભણ્યો જ નહોય તેવા કિસ્સામાં તો સ્કૂલે ફી પરત આપી દેવી જોઈએ.
શક્તિ સ્કૂલ જેવી અનેક શાળાઓ શૈક્ષણિક ક્ષેત્રમાં ગેરરીતિ આચરી વાલીઓ-વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી રહી છે.
ખાસ-ખબર શિક્ષણ જગતના માફિયાઓને ઉઘાડા પાડી સબક શીખવવા કટિબદ્ધ છે. જો કોઈ વાલી કે વિદ્યાર્થી શક્તિ સ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થાનો ભોગ બન્યા હોય તો ખાસ-ખબરના મો. નં. 92286 37664 પર સંપર્ક કરવો.