BU પરમિશન અને ફાયર NOC મુદ્દે શાળા સંચાલક મંડળનો લડી લેવા નિર્ધાર
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.28
- Advertisement -
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બીયુ પરમીશન અને ફાયર સેફ્ટી મુદ્દે સ્કૂલોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવ્યા બાદ સંચાલક મંડળની ગુરુવારના રોજ બેઠક મળી હતી. જેમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર સંચાલકો સીલ મુદ્દે સોમવારના રોજ સરકારને રજૂઆત કરશે. રજૂઆત બાદ પણ પ્રશ્ન નહી ઉકેલાય તો જે સ્કૂલો સીલ કરવામાં આવી છે તે સ્કૂલો રોડ પર તંબુ લગાવી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવશે. આટલું જ નહીં, શિક્ષણ વિભાગ વર્ષ દરમિયાન 221 દિવસનો અભ્યાસ કરાવવાનું કહે છે, પરંતુ સંચાલકો 280 દિવસનો અભ્યાસ કરાવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં બીયુ પરમીશન અને ફાયર સેફ્ટી સહિતના મુદ્દે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બે દિવસમાં જ 60 કરતા વધુ સ્કૂલોને સીલ મારી દેવામાં આવતા સંચાલકોમાં આક્રોશ ફેલાયો હતો. જેને લઈને અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળની ગુરૂૂવારના રોજ એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં અમદાવદાના 150 કરતા વધુ શાળા સંચાલકો હાજર રહ્યા હતા અને શાળા બિલ્ડીંગ યુઝ પરમીશન અને ફાયર સેફ્ટી સહિતના મુદ્દે મિટીંગમાં રજૂઆત કરી હતી.
છેલ્લા ત્રણ વર્ષથી શાળાના બિલ્ડીંગોને અધિકૃત કરાવવા માટે કોર્પોરેશન સમક્ષ અરજી કરવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન તરફથી કોઈ પણ જવાબ મળ્યો નથી. જેમાં હાલમાં સમગ્ર સરકાર પ્રવેશોત્સવમાં વ્યસ્ત હોવાથી સોમવારના રોજ સરકારને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદ સરકારને પ્રશ્નનો નિરાકરણ લાવવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવશે. જો, સપ્તાહમાં પ્રશ્નનો નિરાકરણ નહીં આવે તો ત્યારબાદ શાળા સંચાલકો જે પણ સ્કૂલોને સીલ મારવામાં આવી છે તેની બહાર તાડપત્રીના તંબુ લગાવી રોડ પર જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું શરૂ કરશે.