બેંગલુરુ-મૈસૂર હાઈવે પર ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ થકી પોલીસની બાજ નજર રખાશે, ટ્રાફિકનો ભંગ કરનાર ચેતજો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.26
હવે માર્ગ સલામતી કાયદાનો ભંગ કરવો ભારે પડશે. દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટક દ્વારા ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત બેંગલુરુથી મૈસૂર સુધીના હાઈવે પર કેમેરા તૈનાત કરવામાં આવશે અને લગાડવામાં આવેલા કેમેરા પરથી કાયદાનું ઉલ્લંઘન કરતા લોકોની ઓળખ મેળવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે, ફાસ્ટેગથી ચલણ કપાઈ તે માટે સરકાર ટોલ ગેટને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહી છે. કર્ણાટક પોલીસે દારુના નશામાં વાહન ચલાવતા લોકોને પકડવા 800 જેટલાં એલ્કોમીટર(શરીરમાં દારુના પ્રમાણને ચકાસતું મશીન) સહિત 155 લેજર સ્પીડ ગનનું આખા રાજ્યમાં વિતરણ કર્યુ છે.
- Advertisement -
પરિવહન અને માર્ગ સુરક્ષાના એડીજીપી આલોક કુમારને જણાવ્યું હતું કે, 1 જુલાઈથી બેંગલુરુ-મૈસૂર એક્ષપ્રેસ હાઈવે પર ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવશે. અગાઉ ડિસેમ્બર 2022માં બેંગલુરુમાં આ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી હતી. ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત 50 મુખ્ય જંક્શન પર ઓટોમેટિક નંબર પ્લેટની ઓળખ કરતા 250 જેટલાં કેમેરા અને રેડ લાઈટ સંલગ્ન નિયમોની જાણકારી મેળવવા માટે 80 જેટલા કેમેરા લગાવ્યા હતા. આમ 1 જુલાઈથી મૈસૂરમાં ટ્રાફિક નિયમો તોડનારને ચલણ મળતા શરુ થઈ જશે.
ડેક્કન હેરાલ્ડથી આલોક કુમારે જણાવ્યું હતું કે, મૈસૂરમાં એક ટ્રાફિક મેનેજમેન્ટ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને તેના વાસ્તવિક સમયે જખજ થકી એલર્ટ મોકલવામાં આવશે. ઉપરાંત, લગાવેલા કેમેરાની મદદથી અનેક વિસ્તાર પર નજર રાખવામાં આવશે અને બેંગલુરુને જોડતા તમામ હાઈવે પર ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. જેમાં સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ આ પ્રસ્તાવ પર મંજૂરી આપતા જુલાઈમાં સરકાર દ્વારા ટેન્ડર જારી કરવામાં આવશે. રીપોર્ટ પ્રમાણે, રાજ્ય પોલીસની ટ્રાફિક અને રોડ સેફ્ટિ વિંગે નવી ચલણ સિસ્ટમને ફાસ્ટેગ સાથે જોડવા અંગે ચર્ચા કરી હતી. જેનાથી ફાસ્ટેગ વોલેટમાંથી સીધો દંડ કાપી શકાશે. એડીજીપી એ આની મંજૂરી માટે માર્ગ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રાલયને પત્ર લખવાની યોજના બનાવી છે.