અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના પાર્કિંગમાં પાણી ભરાયાં
દિલ્હીની ફ્લાઈટ મુંબઈ ડાઈવર્ટ કરાઇ, બેંગ્લુરુના પેસેન્જર આખી રાત ટર્મિનલમાં વીતાવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.26
અમદાવાદ એરપોર્ટ પર સોમવારે મોડી 11 વાગ્યા બાદ ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા રન-વે પર વિઝિબિલિટી એકદમ ઘટી ગઈ હતી જેના કારણે બે ફલાઈટોને ડાયવર્ટ કરવામાં આવી હતી અન્ય ચાર ફ્લાઇટોને હવામાં 45 મિનિટ સુધી ચક્કર મારવા પડ્યા હતા. બીજી તરફ એરપોર્ટ એપ્રોન એરિયા અને જૂના કાર્ગો તરફ પાણી ભરાયા હતા અને ઈન્ટરનેશનલ એરપોર્ટ ના પાર્કિંગમાં એટલા પાણી ભરાઈ ગયા હતા કે ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો કારચાલકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું.
ભારે વરસાદને લઈને ઇન્ડિગો ની બેંગલુરુથી આવતી ફ્લાઇટને હૈદરાબાદ અને અકાશાની દિલ્હીથી આવતી ફ્લાઈટ ને મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ બંને ફ્લાઇટોએ આકાશમાં 15 મિનિટ સુધી ચક્કર માર્યા બાદ પણ લેન્ડિંગ મળ્યું ન હતું. ઈન્ડિગોની જયપુરથી આવતી ફ્લાઈટને પણ ખરાબ વાતાવરણનો સામનો કરવો પડ્યો હતો અને આકાશમાં 45 સુધી ચક્કર માર્યા બાદ લેન્ડ થઈ હતી. જ્યારે અકાશાની પુણે, ઇન્ડિગો અને ગોવાની દિલ્હીની ફ્લાઈટે હવામાં ચક્કર માર્યા હતા.
ઇન્ડિગોની ડાઈવર્ટ થયેલી ફ્લાઈટ અમદાવાદ મોડી આવતા બેંગ્લુરુ જતાં 130 પેસેન્જરો અટવાઈ પડ્યા હતા અને તેમને ટર્મિનલમાં આખી રાત ગુજારવી પડી હતી આ ફ્લાઈટ અમદાવાદથી સોમવારે રાતે 11:45ના બદલ મંગળવારે સવારે 7 વાગે રવાના થઈ હતી.