શેરબજારમાં લોકોની વધતી જતી રૂચીનો પણ છેતરપીંડી કરનારાઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. બુધવારે જ મહારાષ્ટ્રના થાણેના 38 વર્ષીય વ્યકિતએ 94 લાખ રૂપિયા ગુમાવ્યા. તેની ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે તે ‘ધ વેલ્યુ ટીમ એ13’ નામના વોટસએપ ગ્રુપના સંપર્કમાં આવ્યો હતો.
જેના ઘણા સભ્યો નિષ્ણાંત હોવાનો દાવો કરીને શેરબજાર દ્વારા પૈસા કમાવવાની ગુપ્ત રીતો જણાવતા હતા. તેણે આ કહેવાતા નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલી લિંકસ અને એપ્સ દ્વારા રૂા. 93.6 લાખનું રોકાણ કર્યુ. પરંતુ એક પૈસો પણ પાછો ન મળ્યો.
- Advertisement -
સેબીએ રોકણકારોને છેતરપીંડી કરનારાઓથી બચાવવા માટે એડવાઇઝરી જારી કરી છે. સેબીએ કહ્યું છે કે, ઘણા પ્લેટફોર્મ્સ ટ્રેડીંગ એકાઉન્ટ વિના ખરીદી પર ડિસ્કાઉન્ટથી લઇને ઉંચા વળતર સુધીના દાવા કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. તેઓ લોકોને વિશ્વાસ જીતવા માટે લાઇવ બ્રોડકાસ્ટ, ઓનલાઇન સેમિનાર અથવા ટ્રેડીંગ કોર્સ પ્રોગ્રામ પણ ચલાવે છે. આ અંગે સજાગ રહેવાની જરૂર છે.
► છેતરપીંડી કરવાની પધ્ધતિ શું છે ?
સેબીએ તેની એડવાઇઝરીમાં કહ્યું છે કે છેતરપીંડી કરનારાઓ ઉચ્ચ વળતરની ખાતરી આપે છે. રોકાણકારો એપ ડાઉનલોડ કરે છે અને તેના દ્વારા રોકાણ કરે છે. એમ ધારીને કે તેઓ કાયદેસર રજિસ્ટર્ડ મધ્યસ્થી સાથે વ્યવહાર કરી રહ્યા છે. આ રોકાણો વાસ્તવમાં કયારેય સ્ટોક એકસચેન્જ-ડીપોઝીટરીઝમાં હોતા નથી. જયારે રોકાણકારો સિકયોરીટીઝનું નોંધપાત્ર મૂલ્ય પાછું ખેંચવાનો પ્રયાસ કરે છે. ત્યારે એપ્લીકેશન અચાનક નિષ્ક્રીય થઇ જાય છે.
► કેવી રીતે વેરીફાઇ કરવું
સેબીએ જણાવ્યું છે કે રોકાણકારો સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસિસ લીમીટેડ (સીડીએસએલ)ની વેબસાઇટ પર રજિસ્ટર્ડ ડિપોઝીટરી પાર્ટીશિયન્ટસ (ડીપીએસ)ની વિગતો ચકાસી શકે છે. સેબીએ આ માટેની લિંક બહાર પાડી છે. જે https//www.cdslindia.com/DP/dplist.aspx છે.
- Advertisement -
► જો તમને છેતરવામાં આવે તો શું કરવું ?
સાયબર છેતરપીંડી અંગે તમે તેના પોર્ટલ પર જઇને ફરિયાદ નોંધાવી શકો છો. તમે છેતરપીંડી વિશે ઓનલાઇન માહિતી આપી શકો છો અને https://cms.rbi.org.in પર રીપોર્ટ ફાઇલ કરી શકો છો.
► યોગ્ય સ્ત્રોતમાંથી માહિતી મેળવો
સેબીએ કહ્યું છે કે કોઇપણ અપડેટ માટે, સીડીએસએલની સત્તાવાર વેબસાઇટ www.cdslindia.com અને તેના સત્તાવાર સોશ્યલ મીડિયા હેન્ડલ્સની મુલાકાત લો. રોકાણકારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આની નોંધ લે અને અહીં અન્ય કોઇ સ્ત્રોતમાંથી મળેલી માહિતીની ચકાસણી કરે.




