આતંકી હુમલાઓ વચ્ચે ગૃહ મંત્રીની સુરક્ષા મુદ્દે બેઠક: ઘાટીમાં આતંકીઓના સફાયા માટે ઝીરો ટેરર પ્લાન અપનાવાયો : અમરનાથ યાત્રામાં જડબેસલાક સલામતીના પણ આદેશ
ખાસ-ખબર ન્યૂઝ જમ્મુ, તા.17
- Advertisement -
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના હુમલા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સુરક્ષાને લઇને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં આગામી અમરનાથ યાત્રાની સુરક્ષા તેમજ તાજેતરમાં થયેલા આતંકી હુમલા પર ચર્ચા કરવામાં આવી હતી. ગૃહ મંત્રી અમિત શાહે એજન્સીઓને જમ્મુમાં એરિયા ડોમિનેશન પ્લાન અને ઝીરો ટેરર પ્લાનના માધ્યમથી કાશ્મીર ઘાટીમાં પ્રાપ્ત કરવામાં આવેલી સફળતાઓને આગળ ધપાવવા આદેશ આપ્યા છે.ગૃહ મંત્રી અમિત શાહે એજન્સીઓના અધિકારીઓ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથે બેઠક યોજી હતી. અમિત શાહે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં સંગઠીત આતંકવાદનો અંત આવી ગયો છે અને હવે માત્ર પ્રોક્સી વોર બનીને રહી ગયું છે. દિલ્હીના ઉત્તર બ્લોકમાં ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન જમ્મુ કાશ્મીરની સુરક્ષા પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ જે રીતે કાશ્મીરમાં ઝીરો ટેરર પ્લાનનો અમલ કરાયો હતો તેવી જ રીતે જમ્મુ પ્રાંતમાં પણ આ જ પ્લાનથી કામ કરવામાં આવે અને આતંકીઓનો સફાયો કરવામાં આવે તેવા આદેશ અમિત શાહે આપ્યા હતા.
અમિત શાહે દાવો કર્યો હતો કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદના સફાયાને પગલે પર્યટકોની સંખ્યા વધી રહી છે. ખાસ કરીને કાશ્મીર ઘાટીમાં મોટી સંખ્યામાં પર્યટકો આવવા લાગ્યા છે. સાથે જ જમ્મુ કાશ્મીરમાં સફળતાપૂર્વક લોકસભાની ચૂંટણી યોજવા બદલ પણ અમિત શાહે પ્રશાસનના વખાણ કર્યા હતા. આગામી 29મી જૂનના રોજ અમરનાથ યાત્રા શરૂૂ થવા જઇ રહી છે, અમિત શાહે તેની સુરક્ષા વધારવા પર પણ ચર્ચા કરી હતી. તાજેતરમાં વૈષ્ણોદેવીથી પરત ફરી રહેલી એક શ્રદ્ધાળુઓની બસ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં દસ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જે બાદ અન્ય ત્રણ આતંકી હુમલા થયા હતા. જેમાં એક જવાન શહીદ થયો હતો. જ્યારે બે આતંકીઓને ઠાર મરાયા હતા. લોકસભાની ચૂંટણી બાદ એક પછી એક આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને અમિત શાહ દ્વારા આ બેઠક યોજવામાં આવી હતી.