રાપરના મોરાગઢમાં મોમાઈ માતાજીના દર્શન કરી પરત ફરતા સમયે ટ્રેલરે ઉડાવતા ઈકોકારનો બુકડો: ગોંડલ પંથકમાં અરેરાટી
ખાસ-ખબર ન્યૂઝ ભચાઉ,તા.5
- Advertisement -
ભચાઉ તાલુકાના લાકડીયા નજીક ટ્રેલર અને ઈકોકાર સામસામે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગોંડલ તાલુકાના દેરડીના પાટીદાર સમાજના એક જ પરિવારનો પાંચ વ્યકિતઓ અને કાર ચાલકના ગંભીર ઈજા થવાથી મોત થતા ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે. લાકડીયા નજીક ગઈકાલે લોકસભાની ચૂંટણીના પરિણામની પળો વચ્ચે ટ્રેઈલર અને ઈકો કાર અથડાતા આ કરૂણાંતિકા સર્જાઈ હતી.ભચાઉના લાકડિયા નજીક પુલ ઉપર ચારમાર્ગીય રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે, જેનાં પગલે આ માર્ગને વનવે કરી દેવામાં આવ્યો છે. આ વેળાએ ગઈકાલે બપોરે આ ગમખ્વાર ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામના પટેલ સમાજના એક જ પરિવારના સભ્યો ભાડેથી ઈકો કાર ભાડે કરી રાપરના મોરાગઢ ખાતે મોમાય માતાજીનાં દર્શને ગયા હતા. ત્યાંથી દર્શન કરીને પરત રાજકોટ બાજુ જઈ રહ્યા હતા ત્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગામના લોકોએ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા આ ઈકો કારમાં સવાર ભાવેશ દેવશી ખાત્રા (ઉ.વ. 48) અને તેમના પત્ની ભાવનાબેન (ઉ.વ. 45), પુત્ર રૂૂદ્રકુમાર (ઉ.વ. 14) તથા સોનલબેન અમિત ગોરસિયા (ઉ.વ.40), અંબાબેન દેવજી વઘાસિયા (ઉ.વ. 60) અને કારચાલક બહાદૂરભાઇ (ઉ.વ. 35)નાં મોત થયાં છે.
જ્યારે ઘાયલ વેદ ભાવેશ (ઉ.વ. 11) અને ગ્રંથ અમિત ગોરસિયાને સામખિયાળીની માતૃસ્પર્શ હોસ્પિટલમાં, જ્યારે ઘાયલ વિધિશા પ્રવીણ ખાત્રા (ઉ.વ. 20)ને ભુજની ખાનગી હોસ્ટિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ જીવલેણ અને ગોઝારા બનાવમાં ઘવાયેલાઓને સારવાર અર્થે લઈ જવાયા હતા, જ્યારે પાંચ લોકોનાં બનાવ સ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં.
પોલીસે જણાવ્યું હતું કે, ઈકો કાર રાજકોટ બાજુ જઈ રહી હતી. વનવે ઉપર સામેથી આવતા ટ્રેઈલરમાં ધડાકાભેર આ ગાડી ભટકાઈ હતી, જેમાં ગાડીનો બુકડો બોલી ગયો હતો અને ગાડીમાં બેઠેલા તમામને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ બનાવમાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ગમખ્વાર અકસ્માત બાદ વનવે માર્ગ ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.



