ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર, તા.4
ભાવનગર નજીક આવેલ ભૂતેશ્વર ગામમાં ગઈકાલે સાંજે થયેલ ઝઘડાની દાઝ રાખી બે જૂથ વચ્ચે હથિયારો વડે મારામારી થતા બંને જૂથમાં મળી 14 વ્યક્તિને નાની મોટી ઈજા તથા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ઘોઘા પોલીસ કાફલો ભૂતેશ્વર દોડી ગયો હતો અને બંને જૂથના મળી કુલ 11 લોકો વિરુદ્ધ સામસામી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરના ભૂતેશ્વર ગામમાં રહેતા વિશાલભાઈ દીપકભાઈ કંટારીયાને ગામમાં રહેતા કરણ ભરવાડ અને હમીર ભરવાડની સાથે ઘર પાસે મોટરસાઇકલ લઈને નીકળી હોર્ન મારવા અને કાતર મારવા બાબતે સામાન્ય બોલાચાલઈ થઈ હતી. આ ઘટના બાદ ગઈકાલે રાત્રિના સમયે બંને જૂથ વચ્ચે ધારિયું, છરી, પાઇપ, લાકડી તેમજ પથ્થરના ઘા ઝીંકી મારામારી થતા વિશાલભાઈ દીપકભાઈ કંટારીયા, વિષ્ણુભાઈ કંટારીયા, અક્ષયભાઈ અરવિંદભાઈ કંટારીયા અને વિમલભાઈને બીજા પહોંચી હતી. સામા પક્ષે ભરતભાઈ ડાયાભાઈ પરમાર, મેઘાભાઈ, ધારાભાઈ, લક્ષ્મણભાઈ, બાલુબેન, રામુબેન, લાભુબેન, રાધાબેન, જયાબેન, નીતાબેનને પણ નાનીમોટી ઇજા થઈ હતી. આ બનાવ અંગે ભરતભાઈ ડાયાભાઈ પરમારે ગામમાં રહેતા વિશાલ દીપકભાઈ કંટારીયા, લક્ષ્મણ અરવિંદભાઈ કંટારીયા, વિષ્ણુ દીપકભાઈ કંટારીયા, વિમલ દીપકભાઈ કંટારીયા, દિનેશ પાંચાભાઇ કંટારીયા, મનીષ મુકેશભાઈ કંટારીયા વિરુદ્ધ ગઈકાલે સાંજે ઝઘડો થયેલ તે બાબતની દાઝ રાખી તમામ આરોપીઓએ હાથમાં ધારિયું, પાઇપ, લાકડી, છરી જેવા હથિયારો ધારણ કરી ઘર પાસે આવી વારાફરતી મારામારી કરી પથ્થરના ઘા ઝીંકી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે વિશાલભાઈ દીપકભાઈ કંટારીયાએ ગામમાં રહેતા ભરત ડાયાભાઈ પરમાર, ધારા નાજાભાઇ પરમાર, મેઘા નાજાભાઇ પરમાર, હમીર ભાકાભાઈ પરમાર અને કરણ ધારાભાઈ પરમાર વિરુદ્ધ ગઈકાલે સાંજે થયેલ બોલાચાલીની દાઝ રાખી તમામે તમારે અહીંથી નીકળવું નહીં તેમ કહી ઝઘડો કરી ઢીકાપાટુ તેમજ લોખંડનો પાઈપ અને લાકડી વડે માર મારી ઇજા કર્યાની ફરિયાદ નોંધાવતા ઘોઘા પોલીસે બંને જૂથની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.