ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.31
ગુજરાત સહિત સમગ્ર દેશમાં શ્રાવણ માસનું ધાર્મિક દ્રષ્ટિએ અધિક મહત્વ હોય છે. આ મહિનામાં ભગવાન શિવની આરાધના ભક્તિભાવ પૂર્વક કરવામાં આવે છે. ખાસ કરીને નાના-નાના મહાદેવ મંદિરથી માંડીને જ્યોતિર્લિંગોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડતા હોય છે. એવામાં સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.
હકીકતમાં IRCTC દ્વારા ’એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ’દેખો અપના દેશ’ અંતર્ગત આગામી શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ધાર્મિક સ્થળોના પ્રવાસ માટેનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટથી બે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
- Advertisement -
જે પૈકી એક ટ્રેન આગામી 7 ઓગસ્ટે રાજકોટથી ઉપડશે, જે 12 ઓગસ્ટે પરત ફરશે. આ 9 રાત અને 10 દિવસની ધાર્મિક યાત્રા દરમિયાન મુસાફરોને દેશના જુદા-જુદા 7 જ્યોતિર્લિંગનો પ્રવાસ કરાવશે. જેમાં મહાકાલેશ્વર, ત્ર્યંબકેશ્વર, ઓમકારેશ્વર, ભીમાશંકર, પરલી બૈજનાથ અને મલ્લિકાર્જુનનો સમાવેશ થાય છે.
જો આ ટ્રેનના ટિકિટના દરની વાત કરવામાં આવે તો, સ્ટાન્ડર્ડ સ્લીપર ક્લાસ માટે 20,900 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કમ્ફર્ટ ક્લાસ (3 અઈ) માટે 34,500 અને સુપીરિયર ક્લાસ (2 અઈ) માટે 48,900 રૂપિયાનું ભાડુ રાખવામાં આવ્યું છે.
આવી જ રીતે બીજી સ્પેશિયલ ટ્રેન 15 થી 24 ઓગસ્ટ એમ 9 રાત અને 10 દિવસનો પ્રવાસ કરાવશે. જેમાં મુસાફરનો રામ જન્મભૂમિ અયોધ્યા ઉપરાંત દેશના વારાણસી, નાસિક અને ઉજ્જૈન એમ 3 જ્યોતિર્લિંગ તેમજ ચિત્રકૂટ અને પ્રયાગરાજ જેવા ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરાવશે. આ સ્પેશિયલ ટ્રેનના સ્ટાન્ડર્ડ ક્લાસ (સ્લીપર)માં મુસાફરી માટે 20,500 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય કમ્ફર્ટ ક્લાસ (3 અઈ) માટે 33,000 અને સુપિરિયર ક્લાસ (2 અઈ) માટે 46,500 રૂપિયાનું ભાડુ રાખવામાં આવ્યું છે.
આ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરવા માંગતા મુસાફરો IRCTCની સત્તાવાર વેબસાઈટ પરથી ઑનલાઈન તેમજ અધિકૃત એજન્ટો પાસેથી ટિકિટ બુક કરાવી શકે છે.