અગાઉના કમિશનર અરોરા વખતે OTP પ્રથા હતી, નવા કમિશનરે બંધ કરાવી
TP શાખાની કાર્યપદ્ધતિ સામે ઉઠતાં અગણિત સવાલો: નોટિસનો પણ રેકર્ડ નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મૂળમાં અધિકારીઓ અને પદાધિકારીઓનો ભ્રષ્ટાચાર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેટલાક નાના-મોટા અધિકારીઓ અને પદાધિકારીઓની ખાઈકીના કારણે માત્ર ટીઆરપી ગેમઝોન જ નહીં, શહેરભરમાં જ્યાં જૂઓ ત્યાં અનેક ગેરકાયદે બાંધકામ નિર્માણ પામ્યા છે. જાગૃત નાગરિક કે પત્રકાર દ્વારા આ ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ ઉઠાવાતા અવાજને ડામી દેવા અને લાગતાવળગતા સિવાયના જ ગેરકાયદે બાંધકામ કરનારા વિરુદ્ધ પગલાં ભરવા રાજકોટ મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ ભેગા મળી ચતુરાઈપૂર્વક એક ખેલ ખેલ્યો છે. ટાઉન પ્લાનિંગ શાખામાં છેલ્લા કેટલાય સમયથી ઓટીપી આધારિત અરજી કે ફરિયાદની ડિજિટલ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં સ્વચ્છતા અને પાણી બાબતની અરજી કે ફરિયાદ જ ફક્ત ઓટીપી આધારિત ઓનલાઈન નોંધાવી શકાય છે. ગેરકાયદે બાંધકામની અરજી કે ફરિયાદ ઓનલાઈન ઓટીપી આધારિત કરી શકાતી નથી. અગાઉ મ્યુનિસિપલ કમિશનર અરોરા વખતે ટાઉન પ્લાનિંગ શાખામાં બાંધકામ સંલગ્ન અરજી કે ફરિયાદ ઓનલાઈન ઓટીપી આધારિત કરી શકાતી હતી પરંતુ ત્યારબાદ કોર્પોરેશનના નવા કમિશનર અને સ્ટેન્ડિંગ ચેરમેને આ પ્રથા બંધ કરી દીધી હતી. જેની પાછળનો એક હેતું ઓફ ધી રેકર્ડ ગેરકાયદે બાંધકામના નામે ભ્રષ્ટાચાર કરવાનો હતો.
- Advertisement -
હાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી શાખામાં ઓનલાઈન ઓપીટી સિસ્ટમ બંધ કરી દેતા બાંધકામ આધારિત આવેલી અરજી કે અપાયેલી નોટિસનો કોઈ જ રેકર્ડ નથી. અગાઉ જેમ ટ્રાફિક જમાદાર પાસે દંડની બૂક રહેતી તેમ ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે ઓફલાઈન પણ કોઈ જ પ્રકારની અરજી, ફરિયાદ કે નોટિસની નોંધપોથી નથી. મનપા દ્વારા ઓનલાઈન ઓટીપી સિસ્ટમ બંધ કરી દેવામાં આવતા હાલ ક્યારે કોને નોટિસ આપી કે ક્યાં પ્રકારે અરજીનો નિકાલ થયો તે કોઈ જ માહિતી ન હોવાથી અધિકારીઓ અને પદાધિકારીઓ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખામાં ચાલી રહેલા બેફામ ભ્રષ્ટાચાર પર લગામ કશવા ફરી એક વખત ઓનલાઈન ઓટીપી આધારિત અરજી કે ફરિયાદની ડિજિટલ સિસ્ટમ શરૂ કરવાની તાતી જરૂર છે.
સાગઠિયાની માત્ર અટકાયત જ કેમ? તેમની નીચેના અધિકારી સસ્પેન્ડ તો સાગઠિયાને કોણ બચાવે છે?
રાજકોટના ટીઆરપી ગેમઝોનની દુ:ખદ દુર્ઘટના બાદ રાજકોટ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત અડધો ડઝન નાના મોટા અધિકારીઓની બદલી કરવામાં આવી છે, કોર્પોરેશનમાં અમુક નાના અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે પરંતુ આ આખીયે ઘટનામાં કહેવાતા મુખ્ય બેજવાબદાર અધિકારી ટાઉન પ્લાનિંગ ઓફિસમર એમ ડી સાગઠિયાની માત્ર અટકાયત જ કરવામાં આવી છે. ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક ટાઉન પ્લાનિંગ ઓફિસરને તાબડતોબ ઉઠાવી લઇ અજ્ઞાત સ્થળે પૂછપરછ માટે લઇ ગઇ હતી. હજુ સુધી તેમની ધરપકડ કરાઈ નથી કે તેમની પર ફરિયાદ દાખલ થઈ નથી. એવું કહેવાય રહ્યું છે કે, કોર્પોરેશનથી લઈ રાજ્ય સરકારના પદાધિકારીઓ અને નેતાઓ સાથે અંગત સંબંધ ધરાવતા સાગઠિયાનો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. કારણ કે ભાજપ દ્વારા થયેલા ભ્રષ્ટાચારના તેઓ રાઝદાર છે, તેમની પાસે ભાજપ નેતાઓના કાળા કારનામાનોની કુંડળી છે. સાગઠિયા વટાણા ન વેરી દે તે માટે રાજકોટ ભાજપના પડદા પાછળ રહેતા એક નેતા સાગઠિયાને બચાવવા ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે.