જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજાની 10% ભાગીદારી હોવાનો ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન આગકાંડના બનાવમાં પાંચમા આરોપી કિરીટસિંહ જાડેજાની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી આરોપી ગેમઝોનની જગ્યાનો મલિક અને ગેમઝોનમાં ભાગીદારી ધરાવતો હોવાનું પણ સામે આવ્યું હતું. શહેરમાં મોકાજી સર્કલ પાસે આવેલ ટીઆરપી ગેમઝોનમાં ત્રણ દિવસ પહેલાં સાંજના સમયે લાગેલી અચાનક આગથી 28 લોકો જીવતા ભૂંજાઈ ગયાં હતાં. જે બાદ આ મામલે તાલુકા પોલીસ મથકમાં છ શખ્સો સામે સામે મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો આ ગંભીર મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતા ફરાર થયેલા કીરીટસિંહ જગદિશસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી
- Advertisement -
જે બાદ આરોપીની સઘન પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપી કિરીટસિંહ જાડેજા જે જગ્યામાં ગેમઝોન બનેલો હતો તે જગ્યાના પોતે માલિક હતાં તેમજ તેની 10 ટકા જેટલી ભાગીદારી હોવાનું પણ સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે અગાઉ આરોપી યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, નીતિન જૈનની ધરપકડ કરી છે જે 14 દિવસના રિમાન્ડ પર છે તેમજ આબુ રોડથી પકડાયેલ ચોથો આરોપી ધવલ ઠક્કર 13 દિવસના રિમાન્ડ પર મુકવામાં આવ્યો છે. જ્યારે હજું એક આરોપી અને જગ્યાનો માલિક અશોકસિંહ જાડેજા ફરાર છે. જેમની ક્રાઈમ બ્રાન્ચની ટીમે સઘન શોધખોળ હાથ ધરી છે.