આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને સેવામાં એક્સટેન્શન આપવામાં આવ્યું હોવાનો આ બહુ જ દુર્લભ કિસ્સો, આવો અવસર 1970ના દાયકાની શરૂઆતમાં માત્ર એક જ વાર આવ્યો હતો
સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેના નિયમો, 1954ના નિયમ 16A (4) હેઠળ કેબિનેટની નિમણૂક સમિતિએ આર્મી ચીફ જનરલ મનોજ સી પાંડેની સેવામાં એક મહિનાનું વિસ્તરણ આપ્યું છે, જે તેમની નિવૃત્તિની તારીખ 31 મે થી 30 જૂન સુધી અસરકારક છે. નોંધનિય છે કે, આવો અવસર 1970ના દાયકાની શરૂઆતમાં માત્ર એક જ વાર આવ્યો છે. તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે તત્કાલિન આર્મી ચીફ જનરલ જીજી બેવૂરનો સેવા સમયગાળો એક વર્ષ લંબાવ્યો હતો. સૈન્ય નિષ્ણાતોના મતે જનરલ બેવૂરને આપવામાં આવેલી સેવાના વિસ્તરણને કારણે લેફ્ટનન્ટ જનરલ પ્રેમ ભગત આર્મી ચીફ બન્યા વિના નિવૃત્ત થઈ ગયા હતા. જનરલ બેવૂર બાદ જનરલ ટીએન રૈનાની આ ટોચની પોસ્ટ પર નિમણૂક થવાની હતી. નિષ્ણાતોનું માનવું છે કે, જનરલ બેવૂરને આપવામાં આવેલા આ સર્વિસ એક્સટેન્શને લેફ્ટનન્ટ જનરલ ભગતનો રસ્તો રોકી દીધો હતો.
આ બે અધિકારીઓ જનરલ પાંડે પછી સૌથી વરિષ્ઠ
- Advertisement -
લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી જેઓ હાલમાં ‘વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટાફ’ તરીકે સેવા આપી રહ્યા છે, તે જનરલ પાંડે પછી સૌથી વરિષ્ઠ અધિકારી છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી પછી સૌથી વરિષ્ઠ અધિકારી લેફ્ટનન્ટ જનરલ અજય કુમાર સિંહ છે જેઓ સધર્ન આર્મી કમાન્ડર છે. બંને સૈન્ય અધિકારીઓ લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી અને લેફ્ટનન્ટ જનરલ સિંહ 1984માં એનડીએમાંથી એકસાથે પાસ થઈ ગયા હતા. જોકે જાણકારોના મતે જનરલ દ્વિવેદી આ પદ માટે મોટા દાવેદાર છે. જોકે તે સંપૂર્ણપણે સરકારની વિવેકબુદ્ધિ છે કે તે કોને સેના પ્રમુખ તરીકે નિયુક્ત કરે છે. લેફ્ટનન્ટ જનરલ દ્વિવેદી પાસે ચીન અને પાકિસ્તાનની સરહદો પર બહોળો ઓપરેશનલ અનુભવ છે. તેમણે ફેબ્રુઆરીમાં લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમારનું સ્થાન લીધું અને સેનાના નાયબ વડા તરીકેનો ચાર્જ સંભાળ્યો.
જનરલ એમએમ નરવણેની નિવૃત્તિ પછી જનરલ પાંડેએ 30 એપ્રિલ, 2022 ના રોજ સેનાના 29મા વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આર્મી ચીફનું પદ સંભાળતા પહેલા જનરલ પાંડે વાઇસ ચીફ તરીકે ફરજ બજાવતા હતા. તેમની કારકિર્દીમાં જનરલ પાંડેએ આંદામાન અને નિકોબાર કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફ તરીકે સેવા આપી છે, જે ભારતની એકમાત્ર ત્રિ-સેવા કમાન્ડ છે. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમીના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. જનરલ પાંડે ડિસેમ્બર 1982માં ‘કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ’ (ધ બોમ્બે સેપર્સ)માં જોડાયા. તે ‘કોર્પ્સ ઓફ એન્જીનિયર્સ’ના પ્રથમ અધિકારી છે જેમણે દળને કમાન્ડ કર્યું છે.