આપણે કાશ્મીરી પંડિતોની વ્યથાકથાથી ખૂબ સારી પેઠે વાકેફ છીએ. એ વિષય પર અનેક પુસ્તકો લખાયા છે અને ‘કાશ્મીર ફાઈલ્સ’ જેવી કડવાણી ટાઈપ ફિલ્મો પણ બની ચૂકી છે. 1989માં કાશ્મીરી પંડિતો પર કેવો જુલ્મ થયો હતો તેની વિગતો હવે છાની રહી નથી. પરંતુ આજની તારીખે ય કાશ્મીરના ખીણ વિસ્તારમાં રહેતા પંડિતો અને હિન્દુ પરિવારોની વાત, તેમની વ્યથાઓ અને તકલીફો વિશે જ્વલ્લે જ ક્યાંક ઉલ્લેખ જોવા મળે છે. હવે તો ભાજપને પણ તેમનામાં રસ નથી રહ્યો. અગાઉ દરેક લોકસભા ચૂંટણી વખતે પોતાનાં ચૂંટણી ઢંઢેરામાં ભાજપે કાશ્મીર ખીણમાં વસતાં હિન્દુઓનાં કલ્યાણનો ઉલ્લેખ કર્યો છે, 2024નાં ચૂંટણી ઢંઢેરામાંથી આ મુદ્દાની બાદબાકી થઈ ગઈ છે. કાશ્મીર વેલીમાં વસતાં એક પંડિત અગ્રણીએ હમણાં એક અંગ્રેજી પોર્ટલ સાથે વિગતવાર વાત કરી છે. આ વાતચિતમાં તેમણે કાશ્મીર ખીણ વિસ્તારમાં વસતાં પંડિતો અને હિન્દુઓ અંગે વાત કરી છે. તેમનાં કહેવા મુજબ વેલીનાં હિન્દુઓ વિશે ભાજપે કશો જ ઉલ્લેખ ન કર્યો એ બદલ હિન્દુઓમાં ત્યાં ઘોર હતાશા છે.
કાશ્મીર ખીણમાં રહેતાં પંડિતો અને અન્ય હિન્દુઓ માત્ર પોતાનાં આત્મબળ, હિંમત અને ચતુરાઈને કારણે ત્યાં ટક્યા છે. એમને ભાગ્યે જ કોઈ સંરક્ષણ મળ્યું છે. ઈસ્લામિક આતંક જ્યારે ચરમ પર હતો ત્યારે પણ તેઓ જિદ્દ કરીને ત્યાં રહ્યાં. એમને મોત મંજુર હતું પણ હિજરત કબૂલ નહોતી. હમણાં એક કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો કે, કલમ 370 સમાપ્ત થઈ તે પછી ખીણમાં 30 હજાર પંડિતો પરત ફર્યા છે. પણ ત્યાંના પંડિતો આ દાવાને બિલકુલ હમ્બર ગણાવે છે. અત્યારે કાશ્મીરના ખીણ વિસ્તારમાં કુલ 272 સ્થળો (ગામડાં, શહેરો, કોલોનીઓ)એ મળી કુલ 808 હિન્દુ પરિવારો રહે છે. તેમાંથી લગભગ 525 પરિવારો કાશ્મીરી પંડિતોનાં છે, બાકીનાં પંજાબી હિન્દુઓ અને ડોગરા હિન્દુઓનાં. પંડિતોની વસતી 2000થી 2250 આસપાસ છે. અહીંના પંડિત સંગઠન પાસે પાક્કા આંકડા છે. 31 ડીસેમ્બર 1989ના રોજ કાશ્મીર વેલીમાં 77137 પંડિત પરિવારો હતાં, 76 હજાર કરતાં વધુ પરિવારોએ સ્વર્ગ સમાન વતન છોડવું પડ્યું. એક જ રાતમાં સ્વર્ગ જાણે નરક બની ગયું.
- Advertisement -
હવે પંડિતોના પુનર્વસન વગેરેની વાતે એક છળ છે, છેતરપિંડી છે. કોઈ ત્યાં આવે નહીં. ચીસો પાડી-પાડીને વિસ્થાપિત-બેઘર થયેલાં પંડિતોના ગળા બેસી ગયા, સ્વરપેટીમાં ઉઝરડાં થઈ ગયા. કોઈ હિન્દુ સંગઠનને કશું સંભળાયું નહીં, કોઈએ કાન ન ધર્યાં. જ્યારે દેશભરમાં હિન્દુઓએ સડક પર ઉતરી જવાનું હતું ત્યારે બધાં અખબારો વાંચીને ફક્ત નિસાસા નાંખતા હતાં. કોઈ દેશની બહુમતિ પ્રજાને તેમનાં જ દેશનાં પ્રાંતમાંથી એક જ દિવસમાં- આટલી મોટી સંખ્યામાં હિજરત કરવી પડી હોય તેવી અન્ય કોઈ ઘટના ક્યારેય બની છે શું?
હિન્દુઓ અને અન્ય પ્રજામાં આ પાયાનો તફાવત છે. શા માટે ત્યારે દેશ આખો ભડકે ન બળ્યો? એવું થવું જોઈતું હતું. જો થયું હોત તો એ પછી બનેલી અનેક દૂર્ઘટનાઓ નિવારી શકાય તેમ હતું. આપણે ધ્યાન ન આપ્યું. પેલેસ્ટાઈનમાં કોઈ મુસ્લિમને છાતીમાં ગોળી વાગે તો દુનિયા આખીનાં મુસ્લિમોની છાતીમાંથી જાણે લોહીની ધાર છૂટે છે. ઈઝરાયલ પર કોઈ વાંકી નજર કરે તો પૃથ્વી પરનાં તમામ યહુદીઓ એક થઈ જાય છે. અહીં કોઈ ચર્ચ સળગાવી દેવાય તો ઠેઠ વેટિકન લગી તેની ઝાળ પહોંચે છે. આપણે તો પડખે જ લાવા વહેતો હતો. પણ, આપણે કહ્યું: મારું ઘર તો સલામત છે ને! પછી એ જ્વાળામુખી કેટલો પ્રસર્યો એ આપણે સૌ જાણીએ છીએ. કેન્સરનો ઈલાજ પ્રથમ સ્ટેજમાં જ કરવો જોઈએ, ચોથા સ્ટેજની રાહ જુએ તે મૂર્ખ ગણાય.