રાજ્યમાં જ્યાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ગરમીને લઈને હવામાન વિભાગે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે ત્યારે બીજી તરફ સુરતમાં છેલ્લા 24 કલાકમાં ગરમીને કારણે 10ના મોત થયા છે. જયારે વડોદરામાં ગરમીએ ત્રણ લોકોના જીવ લીધા.
સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં ગરમીને કારણે 10ના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. મળતી માહિતી અનુસાર, અચાનક બેભાન થયા બાદ મોત થયા હોવાનું સામે આવ્યું છે. 10માંથી 1નું મોત હીટસ્ટ્રોકના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય અન્ય મૃતકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારે વડોદરામાં પણ અસહ્ય ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે. અહીં પણ ગરમીથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગરમીથી વડોદરામાં સાત દિવસમાં 19 લોકોના મોત થયા છે.
- Advertisement -
કાળઝાળ ગરમી વચ્ચે સુરતમાં અચાનક બેભાન થયા બાદ 24 કલાકમાં 10ના મોત થયા છે. માહિતી અનુસાર, તમામ મૃતકોને ગભરામણ થઈ એ પછી બેભાન થયા હતા. જેમાંથી એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું છે, જયારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે. ત્યારે બીજી તરફ હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં 12 વ્યક્તિને સારવાર આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં 8 દર્દીઓ હીટવેવની અસરના કારણે સારવાર લઈ રહ્યા છે અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દીને સારવાર અપાઈ છે. વડોદરામાં ડિહાઇડ્રેશન, લૂ લાગવી, ગભરામણ, હ્રદયરોગના હુમલાથી 3ના મોત થયા છે. 77 વર્ષીય કિશનરાવ દીઘે, 39 વર્ષીય જગદીશ પટેલ, 62 વર્ષીય કરશનભાઈનું મોત થયું છે.
નોંધનીય છે કે હજુ આગામી બે દિવસ સુધી લોકોને કાળઝાળ ગરમીથી રાહત નહીં મળે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે 25 મે સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ગત દિવસોમાં સુરતમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહ્યું છે, જયારે આગામી દિવસોમાં સુરતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.