ફોલ્ટ સેન્ટરની ટેન્ડર પ્રક્રિયા રદ્દ ન થાય તો કામગીરીના બહિષ્કારની સંકલન સમિતિની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
- Advertisement -
રાજ્યની વીજ કંપનીઓમાં સેન્ટ્રલાઈઝ કોલ ફોલ્ટ સેન્ટરની કામગીરીનું ખાનગીકરણ કરવા એજન્સીઓની નિમણૂકના ટેન્ડરો અપાતાં વીજ કર્મચારીઓમાં ભારે ભડકો થયો છે. આ સંદર્ભે વીજ કર્મીઓના એસોસિએશન એવા ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિએ તાત્કાલિક અસરથી ટેન્ડર પ્રક્રિયા રદ કરવા મેનેજમેન્ટની સૂચના આપી છે. નહીં તો કામગીરીનો બહિષ્કાર કરી આંદોલનની ચીમકી આપતાં સમગ્ર મામલો ગરમાયો છે. તાજેતરમાં વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોના ઘરોમાં વીજ વપરાશ ચેક કરવા માટે સ્માર્ટ મીટરો નાખવાથી વીજ બીલો ત્રણ ગણા વધી જતાં ગ્રાહકોમાં થયેલા ભડકાનો રોષ શમ્યો નથી તે સમયે વીજ કંપનીઓમાં કોલ અને ફોલ્ડ સેન્ટરોનું ખાનગીકરણ કરવા માટે તાજેતરમાં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ કંપની દ્વારા એજન્સીઓની નિમણૂક માટે ટેન્ડરો બહાર પાડવામાં આવતાં વીજ કર્મચારીઓમાં ઉગ્ર રોષ ભભુકી ઉઠયો છે. આ સંદર્ભે અખિલ વિજકર્મીઓના સંગઠન એવા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ બળદેવભાઈ પટેલે ઉગ્ર પ્રતિક્રિયાઓ આપતાં જણાવ્યું છે કે ભૂતકાળમાં પણ વીજ કંપનીઓમાં ગ્રાહકોની સેવા માટે ખાનગી એજન્સીઓની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ તેમાં કોઈ સફળતા મળી નથી. જેમાં બધું કામ કંપનીના કર્મીઓ દ્વારા જ કરવામાં આવતું હતું અને જે તે સમયે વિરોધ થતાં સમગ્ર બાબતની પડતી મૂકી ખાનગીકરણ નહીં કરવા શરતી સમાધાન એસોસિએશન અને સરકાર વચ્ચે થયું હતું.
ત્યારબાદ ઘણો સમય પસાર થયા બાદ તાજેતરમાં ફરીથી વીજ કંપનીઓમાં કોલ અને ફોલ્ટ સેન્ટરોના ખાનગીકરણ માટે એજન્સીઓની નિમણૂક માટેના ટેન્ડરો બહાર પાડતાં ફરી વિવાદ છંછેડાયો થયો છે. આ સંદર્ભે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિએ ઉપરોક્ત ટેન્ડર પ્રક્રિયા તાત્કાલિક અસરથી રદ કરવા માગણી કરી છે. જો સમયસર ઉકેલ નહીં આવે તો વીજ કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી આપતાં સમગ્ર મામલો ગરમાયો છે. જી.યુ.વી.એન.એલ. કંપનીના આ પ્રકારના વિવાદાસ્પદ નિર્ણયોથી વીજકર્મીઓમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે.