સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાંદેડથી શકીલ સત્તાર શેખની ધરપકડ કરી
હિંદુવાદી નેતાઓને જાનથી મારી નાંખવાની ધમકીઓ તેમજ તેમની હત્યાઓનું કાવતરું ઘડ્યું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરત, તા.14
સુરતના મૌલવી સોહેલ અબુબકર ટીમોલ વિરુદ્ધ કાર્યવાહીનો દોર ચાલુ છે. આ દરમિયાન ચાલી રહેલી તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. મૌલવીનું પાકિસ્તાન કનેક્શન પણ સામે આવી ચુક્યું છે. તેવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાંદેડથી મૌલવીના વધુ એક સાગરિત શકીલ સત્તાર શેખની ધરપકડ
કરી છે.
મળતી માહિતી અનુસાર હિંદુ નેતાઓની હત્યાના ષડયંત્ર ઘડનાર મૌલવીના સંપર્કમાં રહેલા નાંદેડના શકીલ સત્તાર શેખને હાલ સુરત લાવવામાં આવી રહ્યો છે. શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા 19 વર્ષનો છે, ક્રાઈમ બ્રાન્ચ હાલ તેની પૂછપરછ કરી રહી છે. શક્યતાઓ જતાવવામાં આવી રહી છે કે પૂછપરછમાં વધુ ખુલાસાઓ થઇ શકે છે. તે સતત મૌલવી સાથે સતત સંપર્કમાં રહેતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મૌલવી સાથે તેની શું વાત થતી હતી, તે અન્ય કોઈ દેશના વ્યક્તિઓ સાથે સંપર્કમાં હતો કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
- Advertisement -
આ પહેલા બિહારથી એકની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નાંદેડના શકીલની ધરપકડ પહેલા સુરત ક્રાઈમ બ્રાન્ચે નેપાળના શાહનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. મૌલવીના આ સાગરિતના છેડા છેક પાકિસ્તાન સુધી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું હતું. તેના મોબાઈલની તપાસ કરતાં તેમાં પાકિસ્તાનના નંબરો પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત તે પાકિસ્તાન જઈને આવ્યો હોય તેવી પણ આશંકા છે. આરોપી શહેનાઝે નેપાળના સીમકાર્ડથી સોશિયલ મીડિયામાં સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા, સુદર્શન ન્યૂઝ ચેનલના એડિટર ઈન ચીફ સુરેશ ચવ્હાણકે, હૈદરાબાદના હિંદુવાદી નેતા ટી રાજા સિંઘ અને નૂપુર શર્મા સહિત 4ને ધમકી આપી હતી. તે પહેલાં પોલીસે મૌલવીના ભાઈની પણ પૂછપરછ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી મૌલાના સોહેલ અબુબકર ટીમોલની સુરત પોલીસ દ્વારા શનિવારે (4 મે) ધરપકડ કરવામાં આવી હતી. તેણે હિંદુવાદી નેતા ઉપદેશ રાણાને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે નૂપુર શર્મા, ટી રાજા સિંઘ, સુરેશ ચવ્હાણકે વગેરેને ટાર્ગેટ કરવાની ફિરાકમાં હતો. પોલીસ તપાસમાં વોટ્સએપ ચેટ અને ઓડિયો ક્લિપ્સ પણ મળી આવી હતી. હાલ મૌલવી ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.