ચોરીમાં ગયેલ 1.90 લાખનો મુદ્દામાલ, ઉપયોગમાં લીધેલો બોલેરો કબજે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટના સંતકબીર રોડ ઉપર આવેલ કારખાનામાંથી 1.90 લાખની મતા ચોરી થયાની ફરિયાદ નોંધાતા થોરાળા પોલીસે બાતમી આધારે બે શખ્સોને દબોચી લઈ તમામ મુદામાલ કબજે કરી અન્ય ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. શહેરના પુનિતનગર વિસ્તારમાં રહેતા કારખાનેદાર દિનેશભાઇ છગનભાઇ ગઢીયાએ થોરાળા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના સંત કબીર રોડ પર આવેલા ચાંદીના કારખાનાની હવા બારીમાંથી બે દિવસ પહેલા કોઇએ અંદર પ્રવેશી રૂ.1.90 લાખની કિંમતનો ચાંદીનો માલ ચોરી ગયા હતા.
- Advertisement -
બનાવને પગલે થોરાળા પોલીસ મથકના પીઆઇ એન જી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે એમ પરમાર સહિતે સીસીટીવી આધારે તપાસ શરૂ કરી ચુનારાવાડમાં રહેતા બે ધૂળધોયા કરણ રમેશભાઈ ઉધરેજા અને સતીશ જયસુખભાઈ ડોડીયાને ઝડપી લઈ ચોરીમાં ગયેલ 1.90 લાખનો મુદામાલ તેમજ ઉપયોગમાં લીધેલ બોલેરો સહિત 7.90 લાખની મતા કબજે કરી આ ચોરીમાં સંડોવાયેલ ભાવેશ સુરેશભાઇ પરિયા, કિશન કરમશીભાઈ સુરેલા, કમલેશ ઉર્ફે કેલો દોલુંભાઈ મોરી અને અબ્દુલની શોધખોળ હાથ ધરી છે.



