રાજકોટના આંબેડકરનગરમાં પારકા ઝઘડામાં સમાધાન
માટે ગયેલા યુવકને પોલીસે માર માર્યા બાદ મોત
પોલીસે માર માર્યા બાદ વહેલી સવારે હત્યાની કોશિષનો ગુનો હત્યામાં પલટાયો
આરોપીને પકડવાની માંગ સાથે પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં.2માં રહેતા હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડ (ઉ.વ.35) નામના યુવકને ગત રાત્રે પોલીસ વેનમાં બેસાડી જઈ માલવિયાનગર પોલીસ મથકમાં લઈ જઈ ઢોર મારમારી માથામાં ગંભીર ઈજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યાના આરોપસર અજાણ્યા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને પગલે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પરિવારજનો અને અન્ય લોકોના ટોળા ઉમટ્યા હતા. ઈજાગ્રસ્તના પરિવારે પોલીસ સામે ગંભીર આક્ષેપો કયિ હતા. પોલીસની પણ ટીમો હોસ્પિટલે પહોંચી હતી. આજે યુવકે દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસની તાત્કાલિક ધરપકડ કરી કડક સજા આપવાની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દેવાયો છે.
બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત હમીર ઉર્ફે ગોપાલના પત્ની ગીતાબેને ફરિયાદ નોંધાવી છે. જેમાં બે દિવસ પહેલા તા.14ના રોજ રાત્રિના અગિયારેક વાગ્યા આસપાસ નજીકમાં ખોડિયારનગર શેરી નં.16માં ચોકમાં રાજુ સોલંકી તથા તેનો દિકરા જયેશને પાડોશીઓ સાથે ઝઘડો થયો હતો. જેથી જયેશ સોલંકી ઘરે આવ્યો હતો અને પતિ હમીરને વાત કરી ગોપાલ કાકા અમારી સાથે ચાલો પાડોશીઓ ઝઘડો કરે છે અને પોલીસ બોલાવી છે. તમે આવો તો સમાધાન થઈ જશે આવી વાત કરતાં પતિ હમીર સાથે ગયો હતો. થોડીવાર બાદ પુત્ર અરમાન ઘરે આવ્યો હતો અને વાત કરી હતી કે, પોલીસની ગાડી આવી હતી અને પપ્પાને મારતા મારતા ગાડીમાં બેસાડી લઈ ગયા છે. જેથી હમીરના માતા કેશુબેન પાડોશી નાનજીભાઈના ઘરે ગયા હતા. નાનજીભાઈને સાથે લઈને માલવિયાનગર પોલીસ મથકે મોડી રાત્રે પહોંચ્યા હતા.
- Advertisement -
રાત્રે એકાદ વાગ્યા બાદ નાનજીભાઈ હમીરને એક્ટિવામાં બેસાડીને ઘરે લઈ આવ્યા હતા. જે-તે સમયે હમીર અર્ધબેશુદ્ધ હાલતમાં હતો ઘરે સુવડાવી દેવાયો હતો. હમીરને વહેલા સવારે ઉઠવાની ટેવ હોય પરંતુ જાગ્યા ન હતો. જેથી પત્ની ગીતાબેને જગાડતા જાગેલ નહીં અને તબીયત વધુ ખરાબ હતી. હમીરનું પેન્ટ ખરાબ થઈ ગયેલું હતું. શરીર પરથી કપડા બદલતાં માર મારેલાના નિશાન જોવા મળ્યા હતા. તુરંત જ કારમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તપાસ કરતાં માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા હોવાનું જણાવ્યું હતું. પોલીસ મથકમાં પોલીસે માર મારતાં હમીર બેશુધ્ધ બની ગયો હતો અને તેની તબિયત નાજુક થઈ ગઈ હોવાના સમાચારના પગલે સગા-સબંધીઓ આસપાસના લોકો મોટી સંખ્યામાં રાત્રે હોસ્પિટલે પહોંચી ગયા હતા.