કાઠી ક્ષત્રિય સમાજનું ભાજપને ખુલ્લું સમર્થન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે હાલ ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ વચ્ચે ફાંટા પડ્યા છે. સૌરાષ્ટ્રના 6 લાખ સહિત ગુજરાતમાં 14 લાખથી વધુની વસતિ ધરાવતો કાઠી ક્ષત્રિય સમાજ આ વિરોધથી દૂર થઈ ગયો છે. આજે 12 એપ્રિલે રાજકોટ શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતેથી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખે એલાન કર્યું છે કે કાઠી સમાજ ભાજપના સમર્થનમાં છે અને હિન્દુત્વને વરેલા નરેન્દ્ર મોદીને જિતાડવા ખભેથી ખભો મિલાવી કામ કરશે.
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે રાજકોટ શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતેથી અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ મુનાભાઈ વીછિયાએ જણાવ્યું હતું કે અમારી કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં તમામ વડીલોએ નિર્ણય કર્યો હતો કે રામભક્તને વરેલા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં સમર્થન આપવામાં આવે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી જ્યારે નેતૃત્વમાં હોય ત્યારે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં વસતા કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને ખભેખભો મિલાવી લોકસભા ચૂંટણીમાં વિજેતા બનાવવામાં આવશે. આજે વિશ્વમાં અરાજકતા જોવા મળી રહી છે, ત્યારે ભારતમાં સ્થિર શાસનને મજબૂત બનાવવા માટે ભાજપને સમર્થન આપવામાં આવશે. આ રીતે લોકસભા ચૂંટણીમાં ભાજપને મત આપી ત્રીજી વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવામાં આવશે.
કાઠી સમાજના અગ્રણી રામકુભાઈ ખાચરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી લોકસભા ચૂંટણીમાં દેશમાં 400થી વધુ બેઠક મેળવવા માટે એલાન કર્યું છે, ત્યારે મોદીને કાઠી ક્ષત્રિય સમાજ સમર્થન આપી રહ્યું છે. અમારા ઇષ્ટદેવ ભગવાન શ્રીરામના અયોધ્યામાં ભવ્ય મંદિરનું નવનિર્માણમાં નરેન્દ્ર મોદી અને ભાજપે જે કાઈ ભૂમિકા ભજવી છે એનાથી અમારા સમાજને જે ધાર્મિક-અંતર આત્માથી સંતોષ થયો છે. અમે કાઠી ક્ષત્રિય સમાજ ઘઇઈમાં આવ્યે છીએ, એટલે કે આર્થિક રીતે નહીં, પરંતુ શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં આવીએ છીએ. ત્યારે એના વિકાસ માટે પણ ભારતીય જનતા પાર્ટીએ ઘણું યોગદાન આપ્યું છે.