19 એપ્રિલ સુધી સવારના 11 થી 3 વાગ્યા સુધી ચૂંટણી ફોર્મ ભરાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી યોજવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી ચૂંટણી કાર્યક્રમ નકકી કરવામાં આવ્યો છે. આ ચૂંટણી કાર્યક્રમ અનુસાર 13-જૂનાગઢ લોકસભા મતવિસ્તારના ઉમેદવારીપત્રો તા.12-4-2024 થી તા.19-4- 2024 દરમિયાન (જાહેર રજાના દિવસ સિવાય) રજૂ કરી શકાશે. ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ એક વ્યક્તિ ચૂંટણી અધિકારી અને કલેક્ટર, જૂનાગઢને રૂમ નં.1, પ્રથમ માળ, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન-1, જૂનાગઢ ખાતે અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, જૂનાગઢને પ્રાંત કચેરી, બીજો માળ, તાલુકા સેવા સદન, સરદારબાગ રોડ, જૂનાગઢ ખાતે મોડામાં મોડું 19 એપ્રિલ (શુક્રવાર) સુધીમાં કોઇપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના 11 વાગ્યા થી બપોરના 3 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો પહોંચાડી શકશે.
નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી અને કલેક્ટર, જૂનાગઢની કચેરી, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન-1, જૂનાગઢ ખાતે ર0એપ્રિલ(શનિવાર)ના રોજ સવારના 11:00 વાગ્યે કરવામાં આવશે, નામાંકન પત્રનાં ફોર્મ ઉપર દર્શાવેલ સ્થળે અને સમયે મળી શકશે.ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યક્તિ કે તેના ચૂંટણી એજન્ટ પૈકી જેઓને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લિખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ચૂંટણી અધિકારી અને કલેક્ટર અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, જૂનાગઢને તેમની કચેરીમાં તા.રર-04-2024 (સોમવાર)ના રોજ બપોરના 3 વાગ્યા પહેલાં પહોંચાડી શકશે. મતદાન તા.07.05.2024 (મંગળવાર)ના રોજ સવારના 7 થી સાંજના 6 કલાક વચ્ચે થશે.