ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.27
પોરબંદરના સિનીયર સિટીઝન પુંજાભાઇ લાખાભાઇ કેશવાલા દ્વારા રાજ્ય સરકારના કૃષિ મંત્રીને લેખીત રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર તેમજ આસપાસના ગામડાઓમાં પાણીની તંગી હોવાનું જણાવવામાં આવ્યું છે. પાણીની તંગી ઉનાળાની શરૂઆતમાં જ સર્જાય હોવથી તેનું નિરાકરણ કરવા પુંજાભાઇ કેશવાલાએ માગ કરી છે.
- Advertisement -
પોરબંદરથી હર્ષદ તરફ જતાં કુછડી ગામનો પાણી સંગ્રહ કરી શકે તેવો વિસ્તાર છે. હાલમાં ત્યાં પાણી ભરાયેલા રહે છે. ઉનાળા દરમિયાન સુકાઇ જાય છે. પોરબંદરથી બગવદર, બગવદરથી હર્ષદ તરફ જતાં રસ્તામાં આવતાં ગામડાઓ મોઢવાડામાં પણ પાણી સંગ્રહ થઇ શકે તેમ છે. બરડા સાગર તરીકે ઓળખાતો વિસ્તાર સહિતના સ્થળોએ પાણી સંગ્રહ કરી શકાય છે.
પાણી સંગ્રહ થઇ શકે તેવા વિસ્તારોને ડેવલોપ કરી ઉંડા ઉતારી નર્મદાનું પાણી સંગ્રહ કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. નર્મદાના પાણી પાઇપ લાઇન મારફત ઠાલવવામાં આવે તો પોરબંદર પંથકના ગામડાઓમાં હરિયાળી ક્રાંતિ ક્ષેત્રે ખેડૂતોને પણ લાભ થઇ શકે. મછી પાલકની સાથો સાથ પીવાના પાણીની તંગી નિવારી શકાય. શહેરમાં દરરોજ પીવાના પાણી નિયમીત રીતે મળી રહે તેવું પણ આયોજન કરી શકાય છે અને ખેડૂતોને બારેમાસ ખેત ઉત્પાદનમાં પણ ઉપયોગી બનશે. જેથી પુંજાભાઇ કેશવાલાએ પોરબંદર આસપાસના જળાશયોને ઉંડા ઉતારી પાણીનો સંગ્રહ કરવામાં આવે તેવી માગ કરી છે.