તમામ કૌભાંડીઓની તપાસ પોલીસ કમિશનર અથવા સ્ટેટ મોનિટરીંગ સેલના વડાને સોંપવા રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
ગોકુલનગર આવાસ યોજનામાં ગેરકાયદેસર રીતે આવાસ મેળવનાર ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને જી.પી.એમ.સી. એક્ટ તથા ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરી કોર્પોરેટરપદ ઉપરથી પદભ્રષ્ટ- ગેરલાયક ઠરાવવા તેમજ આ કૌભાંડમાં સામેલ અધિકારીઓ સામે પગલાં લેવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મહેશ રાજપૂત સહિતનાઓએ મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે.
- Advertisement -
આજરોજ આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆતમાં જણાવ્યું કે ગરીબો, મધ્યમવર્ગીય લોકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કરોડો-અબજો રૂપિયાની ગ્રાન્ટ લોકકલ્યાણ અર્થે ફાળવાતી હોય છે ત્યારે આવાસ યોજના કવાર્ટર ભ્રષ્ટાચાર આચરી ગેરકાયદેસર રીતે પચાવી જનારાઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રએ લાલ આંખ કરવી જરૂરી બને છે અને આ કૌભાંડ થવામાં એકલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની સંડોવણી નથી, આ આવાસ કૌભાંડને સફળ બનાવવામાં લગત શાખાના મુખ્ય ટેકનિકલ ઈજનેરની તેમજ શાખાના કર્મચારીઓએ વરવી ભૂમિકા ભજવેલી હોય તેવું આ આવાસ કૌભાંડ થયા બાદ સ્પષ્ટ થઈ ગયું છે. કારણ કે સ્માર્ટઘર-4 આવાસ 1 બીએચકે ફકત રૂા. 50,000માં આપવાના હોય તેમજ લાભાર્થીએ રૂા. 5000ના હપ્તા કરીને ભરવાના હોય તેવી પ્રાથમિક માહિતી મળી છે. આ સ્માર્ટ ઘર-4 આવાસ યોજનામાં જે સર્વે કરવામાં આવ્યો તે આવાસ યોજના ટેકનિકલ શાખાના શાખાધિકારીએ માસ્ટર માઈન્ડ કામગીરી કરી અને આ કૌભાંડને અંજામ આપ્યો છે. વધુમાં આ શાખાના ટેકનિકલ વડા સીટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રાની ભૂમિકા આ કૌભાંડમાં કેટલી છે તે પણ જાણવું જરૂરી છે. આ અંજામ આપવામાં જે જે કર્મચારીઓ સામેલ હોય તે તમામ સામે જરૂરી કાનુની કાર્યવાહી કરવા અને આ કૌભાંડમાં જેની શંકાસ્પદ ભૂમિકા હોય તેને રાજકોટ મહાનગરપાલિકા શા માટે તેઓને તપાસ સમિતિના વડા બનાવી તેઓને તપાસ સોંપવામાં આવેલી છે તેથી આ તપાસ સમિતિનો મતલબ બિલાડીને દૂધનું રખોપું કરવા આપ્યું હોય તેવું સ્પષ્ટ થાય છે.
આ બાબતે શા માટે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા આ આવાસ કૌભાંડ અંગેની તપાસ કરવાનું સોંપવામાં કેમ ન આવ્યું? આની તપાસ નોનકરપ્ટેડ પોલીસ ઓફિસર સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ રાય પાસે કરાવવામાં આવે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તો જ આમા સાચું બહાર આવે તેમ છે.
હાલની આ તપાસ સમિતિમાં કૌભાંડમાં શંકાસ્પદ અધિકારીઓની સંડોવણી હોય ત્યારે તેઓને જ આ તપાસ કરવા, તપાસ સમિતિ સોંપવામાં આવી છે જેથી ભીનું સંકેલવામાં સહેલું પડે તેવું અમો સ્પષ્ટ માની રહ્યા છીએ. જ્યારે આ તપાસ સમિતિ બનાવવી હોય તો રાજકોટ પોલીસ કમિશનર અથવા સ્ટેટ મોનિટરીંગ સેલના વડા પાસે તપાસ સોંપવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
ગેરકાયદેસર રીતે આવાસ મેળવનારાઓ સામે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા કાનુની કાર્યવાહી કરવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ, વજીબેન કવાભાઈ ગોલતરે ભ્રષ્ટાચાર કર્યો હોય તેને લગત કાનુની કલમ, ખોટા પુરાવાઓ રજૂ કરવા બદલ, રાજકોટ મહાનગરપાલિકાની આબરૂને ઠેસ પહોંચાડવા બદલ, ખોટા સોગંદનામા રજૂ કરવા બદલ, આઈ.પી.સી. એક્ટ, સીઆરપીસી એક્ટ, જીપીએમસી એક્ટ હેઠળ કોર્પોરેટર પદ પરથી પદભ્રષ્ટ- ગેરલાયક ઠરાવવા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગના ટેકનિકલ શાખાના વડા સીટી એન્જિનિયર તથા લગત કર્મચારીઓની સામે કડક કાનુની કાર્યવાહી કરવા અતુલ રાજાણી (પ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ), ઈન્દ્રનીલ રાજગુરુ (પૂર્વધારાસભ્ય તથા ક્ધવીનર), ડો. મહેશભાઈ રાજપૂત (મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ), ભાનુબેન સોરાણી (વિરોધપક્ષ નેતા, આરએમસી), ડો. હેમાંગભાઈ વસાવડા (ઉપપ્રમુખ- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ), ગાયત્રીબા વાઘેલા (ઉપપ્રમુખ- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ), દિનેશભાઈ મકવાણા (મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ), રાજદીપસિંહ જાડેજા, મેઘજીભાઈ રાઠોડએ રજૂઆત કરી છે.