65 હજારના એમડી ડ્રગ્સ સાથે કુખ્યાત મહિલા પેડલર સહિત ચારની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટમાં નશાનો કાળો કારોબાર કરતાં શખ્સો ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે એસઓજીએ ગત રાત્રે બેડી ગામે દરોડો પાડી કુખ્યાત મહિલા પેડલર સહિત ચારને દબોચી લઈ 64,600 રૂપિયાનું એમડી ડ્રગસ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટ શહેર એસઓજી પીઆઇ જે એમ કૈલા અને ટીમ એનડીપીએસની અસરકારક કામગીરી કરવા સબબ પેટ્રોલિંગમાં હતા દરમિયાન સ્ટાફના ફિરોજભાઈ રાઠોડને મળેલી ચોક્કસ બાતમી આધારે રાજકોટ મોરબી હાઇવે ઉપર આવેલ બેડી ગામે દરોડો પાડ્યો હતો દરોડો પાડી પોલીસે કુખ્યાત મહિલા પેડલર રૈયાધારની સુધાબેન સુનિલભાઈ ધામેલિયા ઉ.40, તેનો પુત્ર મયુર સુનિલભાઈ ધામેલિયા ઉ.24, સચિન પ્રવીણભાઈ વોરા ઉ.23 અને ધર્મેશ પરેશભાઈ ડાભી ઉ.24ને સકંજામાં લઈ જડતી લેતા 64,600 રૂપિયાનું 6.46 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા તમામની ધરપકડ કરી ડ્રગ્સ, મોબાઈલ, રિક્ષા, ચાર ફોન, રોકડ સહિત 1,26,250 રૂપિયાનો મુદામાલ કબજે કરી ચારેયના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સુધા લિસ્ટેડ પેડલર છે અગાઉ દારૂ, જુગાર, એનડીપીએસ, રાયોટિંગ સહિતના 8 ગુનામાં પકડાઈ ચૂકી છે અને એક વખત પાસા હેઠળ જેલયાત્રા પણ કરી ચૂકી છે જ્યારે તેનો પુત્ર મયુર એનડીપીએસ, મરવા મજબૂર કરવા સહિતના ચાર ગુનામાં પકડાઈ ચૂક્યો છે ધર્મેશ પણ ચાર ગુનામાં અને સચિન એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.