સુરેન્દ્રનગરના અત્યંત ચકચારી દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટનો ચુકાદો
27 સપ્તાહના ગર્ભપાતની મંજુરી નકારી: સગા ફુવાના દુષ્કર્મથી ગર્ભવતી સગીરાને વિવિધ સહાય પુરી પાડવા આદેશ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
16 વર્ષની રેપ પીડિતાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતનો ઈનકાર કરતાં ચુકાદામાં અતિ મહત્વપૂર્ણ અવલોકન કરતા હાઈકોર્ટના જસ્ટિસ એચ.ડી. સુધારે એવું મર્મસ્પર્શી અવલોકન કયુર્ં છે કે, ‘ભારતના બંધારણે દરેક વ્યકિતને ‘રાઈટ ટુ લિવ’ સ્વતંત્રતા પૂર્વક જીવન જીવવાનો અધિકાર’ આપ્યો છે. ત્યારે મહિલાના ગર્ભમાં રહેલું બાળક કે જે હજુ સુધી જનમ્યું નથી, તેને પણ ‘રાઈટ ટુ લિવ’નો બંધારણીય હકક મળે છે. ભ્રુણમાં રહેલું બાળક સંપૂર્ણપણે વિકસિત થઈ જાય ત્યારબાદ તેને ગેરકાયદેસર હત્યા સામે રક્ષણનો અધિકાર છે, અને જો એવા સંજોગોમાં તેના ગર્ભપાતનો આદેશ થાય તો એ ભૃણહત્યા સમાન ગણાય, માત્ર 16 વર્ષની વયે સગા ફુવા અને પાડોશીઓ દ્વારા બળાત્કારનો ભોગ બનેલી પીડિતાના અત્યંત સંવેદનશીલ અને વ્યથિત કરનારા કેસમાં હાઈકોર્ટે ઉકત અવલોકનો કરી ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈનકાર કર્યો છે.
આઠમી માર્ચે સમગ્ર વિશ્વ ‘વુમન્સ ડે’ ઉજવી રહ્યો છે, ત્યારે ગુજરાત રાજયના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોકસોના કાયદા હેઠળ માત્ર 16 વર્ષની અનાથ સગીરાને ખુદ તેના સગા ફુઆ અને પાડોશીઓ દ્વારા પીંખી કાઢવાનો અને સગર્ભા બનાવવાનો મામલો હાઈકોર્ટ સમક્ષ આવ્યો હતો. વુમન્સ ડેના એક દિવસ પહેલા જ હાઈકોર્ટે સગીરા પ્રત્યે સંપૂર્ણ મહાનુભૂતિ દર્શાવતો આદેશ કર્યો હતો.
જેમાં નોંધ્યું હતું કે ‘પીડિતાના ગર્ભમાં રહેલું ભૃણ સંપૂર્ણપણે સ્વસ્થ અને જીવિત છે અને એને 27 સપ્તાહ પૂર્ણ થવામાં એક દિવસ જ બાકી છે. ત્યારે ગર્ભપાત માટેની મંજૂરી આપી શકાય નહીં. પીડિતા સાથે કોર્ટને પૂર્ણ સહાનુભૂતિ છે. પરંતુ અત્યંત ભારે હૃદયે કોર્ટનું મંતવ્ય છે કે તેણે માંગેલી ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં, કેમ કે એ ‘ભૃણ હત્યા’નો ગુનો બની જશે’.