- જામનગર રોડ, ઘંટેશ્વર બસ સ્ટેન્ડ પાસેથી જઘૠએ બેને ઝડપી લીધા: રૂ. 1.16 લાખનો મુદ્દામાલ કબજે
ખાસ-ખબર સંવાદદાતા
ભત્રીજાના લગ્નની આર્થિક ખેંચ દુર કરવા સાડા પાંચ કિલો ગાંજો મગાવનાર કાકા સહિત બે શખ્સને જામનગર રોડ, ઘંટેશ્વર ગામના બસ સ્ટેન્ડ પાસેથી એસઓજીએ ઝડપી લીધા હતા.પોલીસમેન ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઘનશ્યામસિંહ ચૌહાણ તેમજ પીઆઈ જે.એમ. કૈલા સહિતના સ્ટાફે જામનગર રોડ પરથી પસાર થતાં તરઘડી ગામના અરવિંદનાથ જીવણનાથ પરમાર અને ઉત્તરપ્રદેશના અને હાલ સુરત રહેતા વિરેન્દ્ર હરિ પાલને અટકાવી થેલાની તલાશી લેતા શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. જેથી એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી પદાર્થની ખરાઇ કરતા તે ગાંજો હોવાનું અને તેનું વજન કરતા 5 કિલો 572 ગ્રામ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગાંજો, બાઇક, 3 મોબાઇલ મળી કુલ રૂ.1,16,220નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ પૂછપરછમાં અરવિંદનાથ ડ્રાઇવિંગનું કામ કરતો હોય યુપીના વિરેન્દ્રનો સંપર્ક થયો હતો. અરવિંદનાથ તેના પરિવારનો આધાર સ્તંભ હોય નાનાભાઇના મૃત્યુ પછી તેની દીકરીના લગ્ન માટે પૈસાની જરૂરિયાત હોવાથી મિત્ર વિરેન્દ્રને વાત કરી હતી. જેથી વિરેન્દ્રે ગાંજો વેચી પૈસા કમાવવાની લાલચ આપી હતી. અરવિંદનાથે મિત્રની વાતને સમર્થન આપતા મિત્ર વિરેન્દ્ર મંગળવારે બસ મારફતે રાજકોટ આવ્યો હતો. જામનગર રોડ પર ઉતર્યા બાદ અરવિંદનાથ લેવા આવ્યો હોવાનું અને બાદમાં પોલીસ સકંજામાં સપડાઇ ગયાની અને પહેલી જ વખત ગાંજો મગાવ્યાનું કબુલ્યું હતું.