ગુજરાત સરકાર લઘુત્તમ વેતન ચૂકવતી નથી, નિવૃત્તિ વય મર્યાદા, પ્રમોશનના પ્રશ્ર્નો, પેન્શન સહિતની અનેક પડતર પ્રશ્ર્નોને લઈને આગામી દિવસોમાં આશાવર્કરો ધારાસભ્યો અને સંસદની ઑફિસે જશે
ખાસ-ખબર સંવાદદાતા
સંયુક્ત રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો ઈન્ટુક, એચ.એમ.એસ., આઈટુક, સીટુ, સેવા સહિતના રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો સાથે સંકલિત આંગણવાડી- આશા ફેસીલીએટર અને મધ્યાન્હ ભોજન કર્મીઓના બનેલા રાષ્ટ્રીય મંચ દ્વારા રાષ્ટ્રવ્યાપી કામ બંધમાં ગુજરાતના હજારો આંગણવાડી- આશા- ફેસીલીએટલો અને મધ્યાન્હ ભોજન કર્મીઓ આજે અને તા. 17ના રોજ કામથી અળગા રહેશે તેમ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રંજનબેન સંઘાણી, મહામંત્રી સંગીતાબેન દવે, ઉપપ્રમુખ કૈલાસબેન દેગામા, આશા હેલ્થ વર્કસ યુનિયનના રાજકોટના પ્રમુખ અલ્કાબેન ભટ્ટ, મંત્રી ચંદ્રીકાબેન સુદાણીએ સંયુક્ત યાદીમાં જણાવ્યું છે.
આજરોજ રાજકોટ જિલ્લાના મહાસંમેલન જ્યુબિલી ગાર્ડન ખાતે મળ્યું હતું. આ મહાસંમેલનમાં રાજકોટ જિલ્લાના શહેર તથા ગ્રામ્ય રાજકોટ, ગોંડલ, પડધરી, જસદણ, જેતપુર, આટકોટ, જામકંડોરણા સહિતના તાલુકા સહિતના આંગણવાડી અને આશા- ફેસીલીએટર બહેનો હાજર રહ્યા હતા.
આંગણવાડી- આશા ફેસીલીએટર બહેનો પાયાની સેવા બજાવતા હોવા છતાં વર્તમાન મોંઘવારીને અનુલક્ષીને કેન્દ્ર સરકાર દ્વારા 2018થી વેતનવધારો કરાયો નથી અને ગુજરાત સરકાર લઘુત્તમ વેતન ચૂકવતી નથી. નિવૃત્તિ વયમર્યાદા, પ્રમોશનના પ્રશ્ર્નો, પેન્શન, ગ્રેચ્યુઈટી, નવા મોબાઈલ આપવા તથા નવા ડ્રેસ આપવા અને 2022ના થયેલ સમાધાનનો અમલ કરવા બાબતે આ બહેનો લાંબા સમયથી લડત ચલાવી રહેલ હોવા છતાં સરકાર દ્વારા કોઈ જ બેઠક ન યોજાતા બહેનો ઉભા થયેલ રોષને વાચા આપવા શાંત અને બંધારણીય માર્ગે આંદોલન જાહેર કરાયેલ છે.
તમામ આંગણવાડી અને આશાના યુનિયનો બેઠક યોજી વાતચીત દ્વારા પ્રશ્ર્નોનો ઉકેલ લાવવા તૈયાર હોવા છતાં સરકારે બેઠક યોજવા તૈયારી દર્શાવેલ નથી તે કારણે આંદોલનની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે તમામ ધારાસભ્યો તથા સંસદસભ્યોને અગાઉ આવેદન પત્રો આપ્યા છતાં બજેટમાં માગણીઓનો સમાવેશ ન થતાં તા. 19થી 23 સુધી ધારાસભ્યો અને સંસદસભ્યોની ઓફીસે જવાબ માંગવા જશે તેવું અંતમાં જણાવ્યું હતું.



