રાજકોટ પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં વાસ્તવિક તથ્યો સાથે કામગીરીની વિગતો રજૂ કરી
ખાસ-ખબર સંવાદદાતા
કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજગુરુએ રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપો કરતાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જે આક્ષેપોનું ખંડન કરતાં આજરોજ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જોઈન્ટ કમિશનર વિધિ ચૌધરી, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈ, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સહિતના પોલીસ અધિકારીઓએ આજે એક પત્રકાર પરિષદ યોજી હતી.
પત્રકાર પરિષદને સંબોધન કરતાં પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર એ સૌરાષ્ટ્ર વિસ્તારનું સૌથું મોટું શહેર છે. રાજકોટ શહેર સતત વિભિન્ન આર્થિક, સામાજિક, ધાર્મિક તેમજ રાજનીતિક કાર્યકલાપોથી ધમધમતું મહાનગર છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરની શાંતિ સલામતિ જાળવવા અથાગ પ્રયત્નો કરેલ છે અને આપ તમામ સાક્ષી છો કે વિતેલા વર્ષોમાં અનેકવિધ મોટા ધાર્મિક ઉત્સવો જેવા કે જન્માષ્ટમીના મેળાઓ, અષાઢી બીજની રથયાત્રા, ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અન્વયેની યાત્રાઓ, નવરાત્રિ, ગણેશચતુર્થી તથા ગણેશ વિસર્જન યાત્રાઓ, ઈદ-મહોરમ, ઉર્ષના ઝુલુસ, અન્ય ધાર્મિક યાત્રાઓ, રાજકીય કાર્યક્રમો જેવા કે રાજકોટ મહાનગરપાલિકા તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ, વિશાળ રાજકીય સભાઓ તેમજ સરઘસો, ખાસ સુરક્ષા કવચ ધરાવતા મહાનુભાવોની મુલાકાતો, સામાજિક મેળાવડાઓ, વ્યવસાયિક સંમેલનો લેબર, વિદ્યાર્થી તેમજ અન્ય સમાન હિત ધરાવનાર વર્ગો દ્વારા પોતાના મુદ્દાને લઈ કરવામાં આવેલ જાહેર કાર્યક્રમો આ તમામ દરમિયાન રાજકોટ શહેર પોલીસે સતત ખડેપગે ઉભા રહી ધાર્મિક, સામાજિક સૌહાર્દની જાળવણી કરી શાંતિ અને સલામતિ સુનિશ્ર્ચિત કરેલ છે. પોલીસ દ્વારા સમાજના વિભિન્ન તબક્કા સાથે સતત સંવાદ પ્રસ્થાપિત કરેલ છે જેથી શહેર પોલીસની આ કામગીરીમાં શહેરના વિભિન્ન સ્તરના રાજકીય, સામાજિક, ધાર્મિક આગેવાનોનો સતત સહયોગ મળ્યો છે. આમ ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કાયદા વ્યવસ્થા બાબતે કરેલ વિધાનોમાં સત્યતાનો અંશ નથી.
રાજકોટ મહાનગરમાં સતત થઈ રહેલા વિકાસના કારણે સ્થાનાંતરણના લીધે જનસંખ્યામાં વ્યાપક વધારો થયેલ છે. સાથે સાથે લોકોનું જીવનધોરણ ઉંચું આવતાં તેમજ ખરીદ ક્ષમતામાં વધારો થતાં વાહનોની સંખ્યા પણ અનેકગણી વધી છે. આ બાબતને ધ્યાનમાં રાખી સરકારે તાજેતરમાં નાયબ પોલીસ કમિશનર કક્ષાની પોસ્ટ ટ્રાફિક શાખા માટે મંજૂર કરી નિમણુંક કરેલ છે. રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા સને 2022ના વર્ષમાં કુલ 3435 વાહનો ડિટેઈન કરવામાં આવેલ છે અને કુલ રૂા. 67,64,315નો દંડ વસુલ કરવામાં આવેલ છે તેમજ સને 2023ના વર્ષમાં કુલ 3923 વાહનો ડિટેઈન કરવામાં આવેલ છે અને કુલ રૂા. 63,89,100નો દંડ વસુલ કરવામાં આવેલ છે તેમજ સને 2023ના વર્ષમાં ડમ્પર, ટ્રકના કુલ 178 ડિટેઈન કરી કુલ રૂા. 4,01,800 દંડ વસુલ કરવામાં આવેલ છે. ટ્રાફિક શાખા દ્વારા ઉપરોક્ત દંડની કામગીરી ઉપરાંત વ્યાપક સ્તરે ટ્રાફિક નિયમો બાબતે જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરેલ છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અને માર્ગ સલામતિ માટે જવાબદાર અન્ય વિભાગો જેવા કે આર.ટી.ઓ., રાજકોટ મહાનગરપાલિકા વિગેરે સાથે સતત સંકલનની કામગીરી કરવામાં આવે છે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું.
અરજદારોની રૂબરૂ રજૂઆત અને ફરિયાદની વ્યવસ્થા
રાજકોટ શહેરના નાગરિકો કે જ્યારે પોતાની કોઈ રજૂઆત લઈને જ્યારે પોલીસ કમિશનર કચેરી ખાતે આવે છે ત્યારે તેઓ કચેરી ખાતે પોલીસ કમિશનરશ્રી, અધિક પોલીસ કમિશનરશ્રી, નાયબ પોલીસ કમિશનરશ્રીને રૂબરૂ મળે છે. ક્યારેય કોઈ આમ નાગરિકને ઉચ્ચ અધિકારીશ્રીને મળવા ન દીધા હોય તેવા કોઈ કિસ્સા બનેલ નથી અને રાજકોટ શહેર ખાતે સને 2023માં કુલ 1738 જેટલી મોટી સંખ્યામાં અરજદારો પોલીસ કમિશનરશ્રી તથા અધિક પોલીસ કમિશનરશ્રીને રૂબરૂ મળેલ છે અને અરજદારને સાંભળીને તેના પ્રશ્ર્નનું નિરાકરણ કરવા સારુ લાગુ પડતાં પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીને સૂચના પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત નાગરિકો દ્વારા ઘરે બેઠા ફરિયાદ કરી શકાય તે માટે ગુજરાતમાં ઈ-એફઆઈઆર મોડ્યુલ કાર્યરત છે અને તેમાં પણ ઈ-એફઆઈઆરના ક્ધર્વજનના મુદ્દે રાજકોટ શહેર સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. રાજકોટ શહેરમાં રૂા. 900ની સાઈકલ ચોરીની પણ એફઆઈઆર લીધેલ છે. આમ અરજદારની રજૂઆત રૂબરૂમાં ન સાંભળવી કે ફરિયાદ ન લેવી તેવા આક્ષેપો તથ્યવિહોણા છે.