બે લાખ 10% વ્યાજે લીધા, ગીરવે મૂકેલી કાર પરત માંગતા મારી નાખવાની ધમકી આપી
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના ગાયકવાડીમાં રહેતા મુરલી વિનોદભાઇ ભાવનાણીએ નેહરુનગરમાં રહેતા ઇમરાન ઇકબાલ શેખ અને ઘાંચીવાડમાં રહેતા તેજીમ મેમણ નામના બે વ્યાજખોર સામે છેતરપિંડી કરી ધમકી આપ્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત જાન્યુઆરી 2023માં તેને ડી.જે.સાઉન્ડ સિસ્ટમ લેવા નાણાંની જરૂરિયાત હોય મિત્ર તેજીમ મેમણને વાત કરતા તેને તેનો મિત્ર ઇમરાન વ્યાજ વટાઉનું કામ કરે છે તે જોઇએ તેટલા રૂપિયા આપશેની વાત કરી હતી. જેથી ગત ફેબ્રુઆરીમાં ઇમરાન પાસે જઇ 2 લાખની જરૂરિયાત હોવાનું અને 3 મહિનામાં વ્યાજ સહિત રકમ ચૂકવી આપશેની વાત કરી હતી. જેથી ઇમરાને 10 ટકાના વ્યાજે નાણાં મળશે અને ગીરવે કંઇક રાખવા વાત કરી હતી. બાદમાં કાર ગીરવે મૂકી 10 ટકાના વ્યાજે 2.20 લાખનું નોટરી પાસે લખાણ કરાવ્યું હતું ઇમરાને રોકડા રૂ.1.50 લાખ જ આપ્યા હતા. બાકીના પછી આપશેની વાત કરી હતી. ઇમરાને બાકીના 50 હજાર આપવાને બદલે વાયદા કર્યા હતા. ત્યારે ઇમરાનને વ્યાજની રકમ પણ બે-ત્રણ મહિના ચૂકવી હતી. પોતાને બે લાખની વ્યવસ્થા થતા તેને રૂપિયા દેવા ગયો હતો અને કાર પરત માગતા ઇમરાને તારી કાર ક્રાઇમબ્રાંચના સાહેબને વેચી દીધાનું કહ્યું હતું. તપાસમાં કાર કોઇ પોલીસને આપી ન હોવાનું જાણવા મળ્યું હતું.
થોડા દિવસો બાદ ઇમરાનને ફોન કરી ગાડી પરત માગતા તેને હવે ગાડી માગતો નહિ નહિતર જાનથી મારી નાંખીશ કહી ધમકી આપી હતી. દરમિયાન મારી સ્વિફ્ટ કાર ધોરાજી પોલીસે કબજે કરી હોય તેવો ત્યાંથી પોલીસે ફોન કરતાં ઈમરાનએ કોઈ અન્ય શખસને મારી કાર વેચી દીધી હોવાનું જાણવા મળતા અને લખાણ મુજબ તેને કાર લોનનું કોઇ સેટલમેન્ટ પણ ન કર્યાનું જાણવા મળતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ
નોંધાવી છે.