ક્યારેય એવી કલ્પના કરી છે કે કોઇ ઘર વગરનો પ્રવાસી અજ્ઞાત સ્થળેથી નીકળીને કોઇ બીજા જ્ઞાત સ્થળ તરફ જઇ રહ્યો હોય? આપણે તો એવાં નામ કે ઠામ વગરના પ્રવાસી બની શકતા નથી. જો આપણા અસ્તિત્વમાં ઊંડા ઊતરીએ તો સમજાશે કે આપણું નામ અને સરનામું તો આપણને આપણા જન્મ પછી મળ્યું છે. આપણો પ્રવાસ તો જન્મ પહેલાંથી શરૂ થઇ ચૂકેલો છે અને એ યાત્રા અનંતની યાત્રા છે, જે મૃત્યુ પછી પણ ચાલતી રહેવાની છે. સત્ય એ છે કે આપણે અજ્ઞાતમાંથી આવ્યા છીએ અને અજ્ઞાત તરફ જઇ રહ્યા છીએ. આપણાં સ્વજનો, મિત્રો, પડોશીઓ; આ બધાં એક જ ટ્રેનમાં પ્રવાસ કરતા આપણા સહપ્રવાસીઓ કરતાં વિશેષ કશું જ નથી. આપણે એકલા જ છીએ. આપણી સાથે રહેનાર, આપણને સાચો માર્ગ બતાવનાર ઇશ્વર આપણી સાથે હોય છે. આપણે જેટલી ઉત્કટતાથી અયોધ્યામાં બિરાજમાન શ્રીરામની ભક્તિ કરીએ, એટલી જ તીવ્રતાથી આપણી અંદર બેઠેલા ’આતમરામ’ તરફ પણ ધ્યાન આપીએ. જીવનના પ્રત્યેક ડગલે ને પગલે આ ’આતમરામ’ આપણને દિશા બતાવતો રહેશે, જ્યારે ખોટું પગલું ભરતા હોઇશું તો એકવાર અવશ્ય ટોકશે. આપણે એને સાંભળીએ.
એક શાયરે લખ્યું છે: ’એક બાર ઝમીર જાગતા જરૂર હૈ, યા તો ગુનાહ સે પહલે, યા ગુનાહ કે બાદ.’
જીવનના પ્રત્યેક ડગલે ને પગલે ‘આતમરામ’ દિશા બતાવતો રહેશે
