અંદાજીત 28,000ની કિંમતના રોકડ અને ઘરેણા દર્દીના સગાને પરત કર્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યભરમાં ઈમરજન્સીના સમયે લોકોને યોગ્ય સારવાર 108 એમ્બ્યુલન્સ અવિરત કાર્યરત રહે છે. 108 ટીમ ઈજાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવાની સાથે નૈતિક કામગીરી કરે છે. જેમાં ઘણીવાર ઈજાગ્રસ્ત વ્યક્તિઓ પાસે લાખોની રકમ સાથે હોય છે. આ રકમ 108ના કર્મીઓએ મૂળ માલિકને પરત કરી નૈતિકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતા હોય છે. આવા જ રાજકોટના એક કિસ્સામાં 108ની ટીમે પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતુ રાજકોટ અમદાવાદ હાઇવે કુવાડવા ગામ પાસે 30 વર્ષીય કિશનભાઇ જીંજરીયાનું વાહન અકસ્માત થતાં 108ની ટીમના ઈ.એમ.ટી. જગદીશભાઈ બાવળીયા અને પાઇલોટ જિતેન્દ્રભાઈ કાગડિયા ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. 108ની ટીમે તપાસ કરી ત્યારે જણાયું કે, કિશનભાઈને માથાના ભાગ પર ઈજા પહોંચી હતી. દર્દીને પ્રાથમિક સારવાર આપી કુવાડવા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઓળખ માટે તપાસ કરતાં તેમની પાસેથી એક મોબાઈલ અંદાજિત રૂ. 20,000 તેમજ ચાંદીના ઘરેણાં રૂ. 8,000ના મળી કુલ અંદાજિત રૂ. 28,000 મળી આવેલ હતી. 108ની ટીમે કિશનના સગા ભાવનાબેન ગોહિલનો સંપર્ક કરી તેમને પરત કરી પ્રમાણિકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પડયું હતું. દર્દી કિશનભાઈના સગાએ 108ના કર્મચારીઓની પ્રામાણિકતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.