સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા
એફ-1 સર્કિટ માટે બજેટ તથા કેટલા સમયમાં ટ્રેક તૈયાર થશે તેવી જાહેરાત હજુ નથી કરાઇ
- Advertisement -
ભારતમાં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ દેશનું એકમાત્ર એવું સ્થળ છે જે અત્યાધુનિક મોટર સ્પોર્ટ્સનું આયોજન કરવા માટે સક્ષમ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતના ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં ભારતની બીજી ફોમ્ર્યુલા વન સર્કિટ બને તેવી સંભાવના છે. કારણ કે, ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ફોર્મ્યુલા-વન રેસિંગ માટેની એફ-1 સર્કિટના માસ્ટર પ્લાન માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.
હાલ, ભારતમાં બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ દેશનું એકમાત્ર એવું સ્થળ છે જે અત્યાધુનિક મોટર સ્પોર્ટ્સનું આયોજન કરવા માટે સક્ષમ છે. ભારત સરકાર 2036માં ઓલિમ્પિકની યજમાની કરવાની તૈયારીમાં છે અને એફ-1નું ગુજરાતમાં આગમન યજમાની મળવા માટે મહત્ત્વપૂર્ણ પૂરવાર થઈ શકે છે. ભારત અને ગુજરાત સરકારની સાથે ઇન્ટરનેશનલ મોટરસ્પોર્ટ્સ ભારતમાં વધી રહેલા એફ-1ના સમર્થકોની સંખ્યાનો પણ ફાયદો ઉઠાવવા માગશે.
નોંધનીય છે કે, 2011માં બુદ્ધ ગ્રાન્ડ પ્રિક્સ ખાતે પ્રથમ એફ-1 રેસ યોજાઈ હતી. ત્યારબાદ કેટલાક વિવાદના કારણે 2014માં ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સને સ્થગિત કરી દેવામાં આવી હતી. ભારતમાં છેલ્લે 2023માં મોટો-જીપીના સ્વરૂપે છેલ્લી ઇન્ટરનેશનલ મોટર સ્પોર્ટ્સનું આયોજન થયું હતું. ગિફ્ટ સિટી ખાતેની પ્રસ્તાવિત એફ-1 સર્કિટ માટે કોઈ બજેટ તથા કેટલા સમયમાં ટ્રેક તૈયાર થશે તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.