પ્રધાનમંત્રીએ વર્ચ્યુલ માધ્યમથી લાભાર્થીઓ સાથે સીધો લોકસંવાદ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન એટલેકે પીએમ-જનમન થકી પ્રધાનમંત્રી મોદીએ છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરે રાજ્યના છેવાડાના વિસ્તારના આદિમજૂથ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધો લોકસંવાદ સાધ્યો હતો. તાલાલા (ગીર)ના માધુપુર ખાતે યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત જનપ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિ રહી હતી.
આ તકે ઉપસ્થિત સર્વેએ વડાપ્રધાનશ્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો અને મંત્રીશ્રીઓએ લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ આપી આદિમજૂથ માટે પીએમ જન મન એમ્બુલન્સનું લોકાર્પણ પણ કર્યુ હતું. નોંધનીય છેકે, ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા પીએમ જનમન અંતર્ગત સીદી આદિમજૂથોને 31 પાકા મકાનો, 3667 આયુષ્માન ભારત કાર્ડ, 163 જનધન એકાઉન્ટ, 41 કિસાન ક્રેડિટ કાર્ડ, 35 પીએમ કિસાન સન્માન નિધિ, 24 જાતિ પ્રમાણપત્ર, 16 આધારકાર્ડ, 136 પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, 128 વીજ કનેક્શન, 122 પીએમ ઉજ્જવલા યોજના એમ કુલ 4363 લાભાર્થીઓને લાભ પહોંચાડવાની ઉપલબ્ધિ નોંધાઈ છે.